કેજરીવાલ અને સિસોદિયા સહિત ‘આપ’ના અનેક નેતાઓને હાઈકોર્ટે પાઠવી નોટિસ, જસ્ટિસ સ્વર્ણકાંત શર્મા વિરુદ્ધ કરી હતી પોસ્ટ

દિલ્હી હાઈકોર્ટે ન્યાયાધીશ સ્વર્ણકાંત શર્મા વિરુદ્ધ સોશિયલ મીડિયા પર કથિત અપમાનજનક પોસ્ટ કરવાના મામલામાં અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને આમ આદમી પાર્ટી (AAP) ના અન્ય નેતાઓને કદાલતની અવમાનના (Contempt of Court) ની નોટિસ પાઠવી છે. હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને અન્ય નેતાઓને આ અંગે પોતાનો જવાબ દાખલ કરવા માટે ચાર અઠવાડિયાનો સમય આપ્યો છે અને આ મામલાની આગામી સુનાવણી ૪ ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે.

મંગળવારે દિલ્હી હાઈકોર્ટમાં જસ્ટિસ સ્વર્ણકાંત શર્મા પર કરવામાં આવેલી સોશિયલ મીડિયા પોસ્ટ અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન કોર્ટે આમ આદમી પાર્ટીના નેતાઓ અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, દુર્ગેશ પાઠક, સંજય સિંહ, સૌરભ ભારદ્વાજ અને અન્ય નેતાઓ પાસે જસ્ટિસ શર્મા વિરુદ્ધ તેમની “અપમાનજનક” સોશિયલ મીડિયા પોસ્ટ્સને લઈને શરૂ કરાયેલા ફોજદારી અવમાનના કેસમાં તેમનો પક્ષ માંગ્યો હતો. જસ્ટિસ નવીન ચાવલા અને જસ્ટિસ રવિન્દર ડુડેજાની બેન્ચે આ નેતાઓને જસ્ટિસ શર્મા દ્વારા લેવાયેલા સુઓમોટો (સ્વતઃ સંજ્ઞાન) અવમાનના કેસમાં નોટિસ જારી કરી આગામી સુનાવણી 4 ઓગસ્ટ નક્કી કરી છે.

‘આપ’ નેતાઓ પર અવમાનનાનો આરોપ

ઉલ્લેખનીય છે કે, જસ્ટિસ સ્વર્ણકાંત શર્માએ ૧૪ મેના રોજ અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓ વિરુદ્ધ દિલ્હી લિકર પોલિસી (આબકારી નીતિ) કેસના સંદર્ભમાં કરવામાં આવેલી “અપમાનજનક” સોશિયલ મીડિયા પોસ્ટ્સ બદલ ફોજદારી અવમાનનાની કાર્યવાહી શરૂ કરી હતી.

જસ્ટિસ સ્વર્ણકાંત શર્માએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીએ પોતાના કાનૂની વિકલ્પો અપનાવવાને બદલે સોશિયલ મીડિયા પર તેમની વિરુદ્ધ બદનામીનું એક “વિચારી રાખેલું અભિયાન” ચલાવ્યું હતું. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવા વિરુદ્ધ CBIની અરજી પર હવે અન્ય કોઈ બેન્ચ સુનાવણી કરશે.

જસ્ટિસ શર્માએ એવા લોકોની અનેક સોશિયલ મીડિયા પોસ્ટ્સ સામે સખત વાંધો ઉઠાવ્યો હતો, જેમના પર અવમાનનાનો આરોપ છે. આ પોસ્ટ્સમાં તેમના પર “રાજકીય વફાદારી” અને “જોડાણ” હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. તેમજ વારાણસીની એક શૈક્ષણિક સંસ્થામાં તેમના દ્વારા આપવામાં આવેલા ભાષણનો એક ભ્રામક અને “એડિટ કરેલો” વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમને નિશાન બનાવવામાં આવ્યા હતા.

Leave a Comment

READ MORE

READ MORE