ગમે તે થાય, રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખીશું: ભારત સરકારનો મક્કમ નિર્ધાર

ભારતે સ્પષ્ટ આડકતરો ઈશારો કરી દીધો છે કે, તે પોતાના વ્યાપારી હિતો અને દેશની ઊર્જા સુરક્ષાને ધ્યાનમાં રાખીને રશિયન ક્રૂડ ઓઈલ (કાચું તેલ)ની ખરીદી ચાલુ રાખશે. પછી ભલે અમેરિકી પ્રતિબંધોમાં રાહત મળે કે ન મળે. પેટ્રોલિયમ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, ભારતે રશિયન તેલની ખરીદી પ્રતિબંધો પહેલાં પણ કરી હતી, રાહત દરમિયાન પણ કરી હતી અને ભવિષ્યમાં પણ ચાલુ રાખશે.

પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ મીડિયા બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે, “ક્રૂડ ઓઈલની ખરીદી અંગે ભારતના નિર્ણયો મુખ્યત્વે વ્યાપારી ગણતરીઓ અને પૂરતા પુરવઠાની ઉપલબ્ધતા પર આધારિત છે.” તેમણે ભારપૂર્વક ઉમેર્યું કે દેશ માટે ઊર્જા સુરક્ષા સૌથી મહત્વપૂર્ણ છે અને હાલમાં સ્થાનિક બજારમાં ક્રૂડ સપ્લાયની કોઈ અછત નથી.

આ પણ વાંચો…

અદાણી ગ્રુપને મોટી રાહત: અમેરિકામાં ગૌતમ અદાણી સામેના તમામ ફોજદારી આરોપો રદ, કેસ કાયમ માટે બંધ

2022 પછી રશિયન તેલ ભારત માટે કેમ મહત્વનું બન્યું?

  • ડિસ્કાઉન્ટનો લાભ:2022માં રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ પશ્ચિમી દેશોએ રશિયા પર આકરા આર્થિક પ્રતિબંધો લગાવ્યા હતા. આ પરિસ્થિતિમાં રશિયાએ ડિસ્કાઉન્ટ (સસ્તા) દરે ક્રૂડ ઓઈલ વેચવાની ઓફર કરી, જેનો ભારતે વ્યાપારી લાભ લીધો.

  • આયાતમાં મોટો હિસ્સો: ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો ક્રૂડ આયાતકાર દેશ છે. ઓછી કિંમતે મળતા રશિયન તેલના કારણે ભારતીય રિફાઇનરીઓનો ખર્ચ ઘટ્યો છે.જે વધતા વૈશ્વિક ભાવો વચ્ચે ભારત માટે આર્થિક રીતે મોટો ફાયદો લાવ્યો છે. આજે રશિયન ક્રૂડ ભારતની કુલ આયાતનો એક મુખ્ય હિસ્સો બની ગયું છે.

અમેરિકી પ્રતિબંધોની ભારત પર મર્યાદિત અસર

અમેરિકા દ્વારા રશિયન દરિયાઈ ક્રૂડના વેચાણ અને ડિલિવરી માટે આપવામાં આવેલી કામચલાઉ છૂટછાટો ૧૬ મેના રોજ સમાપ્ત થઈ ગઈ છે. આમ છતાં, ભારતે સ્પષ્ટ કર્યું છે કે આનાથી તેની આયાત નીતિ પર કોઈ અસર નહીં પડે.

ભારત આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે નીચે મુજબની સાવચેતી રાખે છે:

  1. પ્રતિબંધિત કંપનીઓ અને શંકાસ્પદ જહાજો (Ships) દ્વારા વેપાર કરવાનું ટાળે છે.

  2. માત્ર માન્ય નાણાકીય (Financial) અને વીમા (Insurance) ચેનલોનો જ ઉપયોગ કરવામાં આવે છે.

  3. અમેરિકાએ કડક વલણ અપનાવ્યું હોવા છતાં, ભારતે સંપૂર્ણપણે કાયદાકીય માળખામાં રહીને પોતાની આયાત વ્યવસ્થા જાળવી રાખી છે.

મે મહિનામાં આયાત રેકોર્ડ સ્તરની નજીક

ઊર્જા વિશ્લેષક સંસ્થા ‘કેપ્લર’ (Kpler) ના આંકડા દર્શાવે છે કે, મે મહિનામાં ભારતની રશિયન તેલની આયાત સરેરાશ 1.9 મિલિયન બેરલ પ્રતિદિન સુધી પહોંચી શકે છે. જે અત્યાર સુધીના રેકોર્ડ સ્તરની બહુ નજીક છે.નિષ્ણાતોના મતે, નજીકના ભવિષ્યમાં ભારત રશિયન ક્રૂડથી દૂર જાય તેવી કોઈ શક્યતા નથી. તેના બદલે, ભવિષ્યમાં વધુ દસ્તાવેજીકરણ (Documentation) અને કડક સ્ક્રિનિંગ પ્રક્રિયા અપનાવીને આ આખી ખરીદીને વધુ પારદર્શક બનાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE