કેન્દ્ર સરકાર અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના સંગઠનમાં મોટા પાયે ફેરફારો થવાની ચર્ચાએ જોર પકડ્યું છે. રાજકીય વર્તુળોમાં હવે સૌની નજર એ વાત પર ટકેલી છે કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન પોતાની નવી ટીમની જાહેરાત ક્યારે કરે છે. આ સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારમાં મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરબદલની સંભાવનાઓ પણ ચર્ચાના કેન્દ્રમાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સંગઠનાત્મક ફેરફારો 29 મે પહેલાં થઈ શકે છે. જ્યારે 9 જૂન પહેલાં કેન્દ્ર સરકારમાં મંત્રીમંડળનું વિસ્તરણ કે ફેરબદલ થવાની પૂરેપૂરી સંભાવના છે. આગામી 9 જૂનના રોજ મોદી સરકારના ત્રીજા કાર્યકાળના બે વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, તેથી આ સમયને સરકાર અને સંગઠન બંને સ્તરે સમીક્ષા અને સંતુલન સાધવાની એક મહત્વપૂર્ણ તક માનવામાં આવી રહી છે. જો કે, જો કોઈ કારણોસર 9 જૂન પહેલાં કેબિનેટમાં ફેરબદલ નહીં થાય, તો તે 9 જુલાઈ પછી કરવામાં આવશે. તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે, 9 જૂનથી 9 જુલાઈ સુધી મોદી સરકારના ત્રીજા ટર્મના બીજા વર્ષની ઉપલબ્ધિઓને લઈને દેશભરમાં પાર્ટી અને સરકાર દ્વારા મોટા પાયે કાર્યક્રમો ચલાવવામાં આવનાર છે.
જો સરકારના પાછલા કાર્યકાળો પર નજર કરીએ તો, પ્રધાનમંત્રી મોદીએ પોતાના પ્રથમ કાર્યકાળમાં સરકારની રચનાના લગભગ છ મહિના પછી, નવેમ્બર 2014માં પ્રથમ મંત્રીમંડળ વિસ્તરણ કર્યું હતું. ત્યારબાદ જુલાઈ ૨૦૧૬ અને સપ્ટેમ્બર 2017માં પણ ફેરબદલ કરવામાં આવ્યા હતા. જ્યારે બીજા કાર્યકાળમાં જુલાઈ 2021માં મોટું વિસ્તરણ થયું હતું અને મે 2023માં વિભાગીય ફેરબદલ કરાયા હતા. આ જ પરંપરાને ધ્યાનમાં રાખીને ત્રીજા કાર્યકાળમાં પણ બે વર્ષ પૂર્ણ થવાના અવસરે ફેરફારો થવાની શક્યતા સેવાઈ રહી છે. હાલમાં કેન્દ્રીય મંત્રીપરિષદમાં 72 સભ્યો છે, જ્યારે બંધારણીય રીતે તેની મહત્તમ સંખ્યા 81 સુધીની હોઈ શકે છે. જો કે, સૂત્રોનું કહેવું છે કે, આ વખતે મંત્રીઓની સંખ્યા વધારવાને બદલે કેબિનેટને પ્રમાણમાં નાની અને વધુ પ્રભાવશાળી રાખવા પર જોર આપવામાં આવી શકે છે. જેમાં કેટલાક મંત્રીઓની જવાબદારીઓ બદલાય અને કેટલાક નવા ચહેરાઓની એન્ટ્રી થાય તેવી સંભાવના છે.
વર્ષ 2027માં યોજાનારી સાત રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સરકાર પ્રાદેશિક અને સામાજિક સંતુલન સાધવાની વ્યૂહરચના પર કામ કરી રહી છે. આગામી સમયમાં જે રાજ્યોમાં ચૂંટણીઓ યોજાવાની છે ત્યાંથી નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સામેલ કરીને મોટો રાજકીય સંદેશ આપવાની તૈયારી હોવાનું મનાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ વખતે એક અત્યંત મહત્વપૂર્ણ સમીક્ષા પ્રક્રિયા પણ ચાલી રહી છે. કેન્દ્ર સરકારના જે મંત્રીઓ લોકસભા સાંસદ છે, તેમના પ્રદર્શનનું મૂલ્યાંકન સંબંધિત રાજ્યોના ભાજપ પ્રદેશ પ્રમુખો પાસેથી ફીડબેક લઈને કરવામાં આવી રહ્યું છે. આ મૂલ્યાંકનમાં મંત્રીઓના સંસદીય ક્ષેત્રોમાં વિકાસ કાર્યોની સ્થિતિ, તેમના પ્રાદેશિક પ્રવાસો, કેન્દ્ર સરકારની યોજનાઓના લાભાર્થીઓની સંખ્યા અને યોજનાઓનું જમીની સ્તર પર અમલીકરણ જેવી વિગતોનો વિગતવાર અહેવાલ સામેલ છે. આ જ રિપોર્ટના આધારે ઘણા મંત્રીઓની જવાબદારીઓમાં ફેરફાર કે પુનર્નિયોજન નક્કી થઈ શકે છે. ચાલુ મહિનાના અંતમાં મંત્રીપરિષદની એક બેઠક પણ સંભવિત છે. તે પહેલાં આ રિપોર્ટ મંગાવવામાં આવવો ઘણો મહત્વનો ગણાય છે. કારણ કે, સરકારના કામકાજની સાથે-સાથે મંત્રીઓના પોતાના લોકસભા મતવિસ્તારના પર્ફોર્મન્સ પર પણ પ્રધાનમંત્રીની સીધી નજર છે.
બીજી તરફ, ભાજપ સંગઠનમાં પણ મોટા ફેરફારોની તૈયારીઓ લગભગ અંતિમ તબક્કામાં હોવાનું કહેવાય છે. 20 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદથી નીતિન નવીન સંગઠનને નવું સ્વરૂપ આપવામાં વ્યસ્ત છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, નવી ટીમમાં યુવા નેતાઓને પ્રાથમિકતા આપવામાં આવી શકે છે અને 50 વર્ષથી ઓછી ઉંમરના નેતાઓને મોટી જવાબદારીઓ મળવાની સંભાવના છે. જો કે, સંગઠનાત્મક સંતુલન જાળવી રાખવા માટે અનુભવી નેતાઓને પણ મહત્વની ભૂમિકા આપવામાં આવી શકે છે. રાષ્ટ્રીય મહાસચિવ સ્તર પર કેટલાય નવા ચહેરાઓ સામે આવી શકે છે. અને આ નવી ટીમમાં મહિલા નેતાઓ તેમજ અલગ-અલગ રાજ્યોના પ્રતિનિધિત્વને વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.
Post Views: 39










