શેષનાગ ડ્રોન બનશે ભારતીય સેનાનું નવું ‘ગેમચેન્જર’, 1000 KM ની રેન્જ સાથે દુશ્મનો પર કરશે પ્રહાર

મિડિલ ઈસ્ટમાં ડ્રોનના ઘાતક હુમલાઓ વચ્ચે ભારતીય સંરક્ષણ મંત્રાલય પણ પોતાની તાકાતને વધુમાં વધુ મજબૂત બનાવી રહ્યું છે. આ કડીમાં ‘શેષનાગ’ના આકાર જેવું ડ્રોન ખૂબ જ ટૂંક સમયમાં સેનાના કાફલામાં સામેલ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, શેષનાગ ડ્રોનનું સફળ પરીક્ષણ રાજસ્થાનના પોખરણમાં કરી લેવામાં આવ્યું છે. જો ભવિષ્યમાં દુશ્મન દેશ કોઈ નાપાક હરકત કરવાની કોશિશ કરશે, તો 1000 કિલોમીટરની રેન્જ ધરાવતું આ ડ્રોન ભારતીય સેના માટે ગેમચેન્જર સાબિત થશે.

આધુનિક યુદ્ધની બદલાતી રણનીતિ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધે યુદ્ધની આખી રણનીતિ બદલી નાખી છે. આ યુદ્ધે પરંપરાગત પદ્ધતિઓને પાછળ છોડીને એર ડિફેન્સ અને ડ્રોન દ્વારા હુમલાઓ પર ભાર મૂક્યો છે. તેવી જ રીતે, મિડિલ ઈસ્ટના યુદ્ધે મોર્ડન વોરફેરનું ચિત્ર બદલી નાખ્યું છે. અમેરિકા, ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના ટકરાવે દુનિયાને હચમચાવી દીધી, કારણ કે આમાં સૌથી વધુ ડ્રોન અને AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) આધારિત હુમલા કરવામાં આવ્યા હતા. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સંરક્ષણ મંત્રાલયે પોખરણમાં શેષનાગ-150 સ્વોર્મિંગ એટેક ડ્રોન નું સફળ પરીક્ષણ કરીને દુનિયાને ભારતની સુરક્ષા શક્તિનો સંદેશ આપી દીધો છે.

ડ્રોન ટેકનોલોજીનો પાવર ડ્રોનની તાકાતના જોરે જ ઈરાને અમેરિકા અને તેના સહયોગી દેશોને ગ્રાઉન્ડ ઝીરો પર આકરી ટક્કર આપી છે. ઈરાને ઓછી કિંમતના ‘શાહેદ’ ડ્રોનનો ઉપયોગ કરીને ઈઝરાયેલને થકવી દીધું, તો સામે પક્ષે ઈઝરાયેલે પણ પોતાની AI આધારિત ‘સ્વોર્મ’ ડ્રોન ટેકનોલોજી દ્વારા એકસાથે હજારો હુમલા કરી ઈરાનને ભારે નુકસાન પહોંચાડ્યું છે. આ વૈશ્વિક પ્રવાહોને જોતા ભારતે પણ પોતાના ડ્રોન ટ્રાયલ્સને તેજ ગતિએ આગળ વધાર્યા છે.

શું ખાસ છે શેષનાગ ડ્રોનમાં? આ ડ્રોનને NewSpace Research and Technologies દ્વારા વિકસાવવામાં આવ્યું છે. તેની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે:

  • રેન્જ: આ ડ્રોન 1000 કિલોમીટર સુધી પ્રહાર કરી શકે છે.

  • સ્વોર્મ ટેકનોલોજી: જેવી રીતે શેષનાગની અનેક ફેણ એકસાથે હુમલો કરી શકે છે.તેવી જ રીતે આ ટેકનોલોજીમાં અનેક ડ્રોન મળીને દુશ્મન પર તૂટી પડે છે.આનાથી દુશ્મનનું એર ડિફેન્સ સિસ્ટમ મૂંઝવણમાં મુકાઈ જાય છે.

  • ક્ષમતા: આ સેનાનું પહેલું એવું ડ્રોન હોઈ શકે છે જે સતત 6 કલાક સુધી હવામાં રહી શકે છે અને અનેક કિલો સુધીનું પલોડ (Payload) લઈ જવાની ક્ષમતા ધરાવે છે.

વર્તમાન યુદ્ધોએ સંકેત આપી દીધો છે કે, હવે લડાઈ માત્ર જમીન, સમુદ્ર કે આકાશ પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ AI ટેકનોલોજી આધારિત હશે. ભારતીય સંરક્ષણ મંત્રાલયે આ દિશામાં પોતાની તૈયારીઓ અત્યારથી જ તેજ કરી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE