ઈરાને કુવૈતના પાવર પ્લાન્ટ પર કર્યો હુમલો, એક ભારતીયનું મોત; પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો

કુવૈતમાં ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલામાં એક ભારતીય નાગરિકનું મોત નીપજ્યું છે. કુવૈતના વીજળી, પાણી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે, રવિવારે સાંજે થયેલા આ હુમલામાં એક મોટા પાવર અને વોટર ડીસેલિનેશન (દરિયાના પાણીને પીવાલાયક બનાવતા) પ્લાન્ટની સર્વિસ બિલ્ડિંગને નિશાન બનાવવામાં આવી હતી. આ હુમલામાં ત્યાં કામ કરતા એક ભારતીય કર્મચારીએ જીવ ગુમાવ્યો છે અને ઈમારતને ભારે નુકસાન થયું છે.

હુમલા બાદ ટેકનિકલ અને ઈમરજન્સી ટીમો તૈનાત

મંત્રાલયના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, આ હુમલો કુવૈત વિરુદ્ધ ઈરાની આક્રમક કાર્યવાહીનો ભાગ હતો. હુમલાના તુરંત બાદ ટેકનિકલ અને ઈમરજન્સી ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. જેમણે પરિસ્થિતિને સંભાળવા અને પ્લાન્ટને કાર્યરત રાખવા માટે કામ શરૂ કરી દીધું છે. આ સમગ્ર કામગીરી સુરક્ષા એજન્સીઓ અને અન્ય સંબંધિત વિભાગો સાથે મળીને કરવામાં આવી રહી છે જેથી અસરગ્રસ્ત વિસ્તારને સુરક્ષિત કરી શકાય અને જરૂરી સેવાઓ ચાલુ રાખી શકાય.

સરકારે લોકોને શાંતિ જાળવવા અને અફવાઓથી બચવાની અપીલ કરી છે. સાથે જ ખાતરી આપી છે કે વીજળી અને પાણીના પુરવઠાને કોઈ પણ સંજોગોમાં ખોરવાવા દેવામાં આવશે નહીં. આ માટે ટીમો સતત કામ કરી રહી છે અને દરેક પરિસ્થિતિ માટે તૈયાર છે.

લેબનોનમાં તણાવ વધ્યો

બીજી તરફ, લેબનોનમાં પણ તણાવ વધતો જણાય છે. દક્ષિણ લેબનોનના અડચિત અલ-કુસૈર વિસ્તારમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશન (UNIFIL) ના ઠેકાણા પર એક પ્રોજેક્ટાઈલ (ગોળો) પડવાથી એક શાંતિ સૈનિકનું મોત થયું છે, જ્યારે અન્ય એક ગંભીર રીતે ઘાયલ થયો છે.

UNIFIL એ જણાવ્યું કે આ પ્રોજેક્ટાઈલ ક્યાંથી આવ્યો તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સંગઠને આ ઘટનાને અત્યંત દુઃખદ ગણાવતા કહ્યું કે શાંતિ જાળવવા માટે કામ કરી રહેલા લોકોના જીવ જવા તે ખૂબ જ ગંભીર બાબત છે. UNIFIL એ તમામ પક્ષોને અપીલ કરી છે કે, તેઓ આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરે અને શાંતિ સૈનિકોની સુરક્ષા સુનિશ્ચિત કરે. સંગઠને ચેતવણી આપી છે કે જો જાણીજોઈને શાંતિ સૈનિકો પર હુમલો કરવામાં આવે છે. તો તેને યુદ્ધ અપરાધ માનવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE