સુરત: ગુજરાતના ઉદ્યોગ અને વેપાર ક્ષેત્ર માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. iNDEXTbએ માત્ર 11 દિવસમાં 350 પ્રદર્શકોને એકત્ર કરીને ગિનેસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે. સુરતમાં યોજાયેલા બિઝનેસ એક્સ્પોઝિશનની આ સિદ્ધિને ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા સત્તાવાર માન્યતા આપવામાં આવી છે.
આ ઐતિહાસિક સિદ્ધિના અવસરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત કર્યું હતું. તેમણે આ સફળતા માટે સમગ્ર ટીમને અભિનંદન પાઠવી ગુજરાતના ઉદ્યોગક્ષેત્ર માટે તેને ગૌરવની સિદ્ધિ ગણાવી હતી.
iNDEXTbએ K and D Communication Limitedના સહયોગથી આ અનોખો વિશ્વવિક્રમ સર્જ્યો છે. ખૂબ જ ઓછા સમયમાં મોટી સંખ્યામાં પ્રદર્શકોને એક મંચ પર લાવી સફળ બિઝનેસ એક્સ્પોઝિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જે વૈશ્વિક સ્તરે પણ નોંધપાત્ર સિદ્ધિ તરીકે માન્ય બન્યું છે.
આ સિદ્ધિ ગુજરાતને આંતરરાષ્ટ્રીય બિઝનેસ અને ટ્રેડ ઇવેન્ટ્સના મહત્વના કેન્દ્ર તરીકે વધુ મજબૂત બનાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આયોજકોના જણાવ્યા મુજબ, ભવિષ્યમાં પણ વિશ્વસ્તરીય બિઝનેસ કાર્યક્રમો યોજી રાજ્યના ઉદ્યોગ અને રોકાણ ક્ષેત્રને વધુ પ્રોત્સાહન આપવામાં આવશે.











