કચ્છ: સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો સામે કચ્છમાં વહીવટી તંત્રે મેગા અભિયાન હાથ ધરી કડક કાર્યવાહી શરૂ કરી છે. જૂના કંડલા વિસ્તારમાં એક જ સપ્તાહ દરમિયાન અંદાજે 15 જેટલા ગેરકાયદેસર દબાણો દૂર કરીને લાખો રૂપિયાની સરકારી જમીન ફરી કબજામુક્ત કરવામાં આવી છે.
ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસની હાજરીમાં સમગ્ર કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી.
અધિકારીઓના જણાવ્યા મુજબ, સરકારી જમીન પર કરવામાં આવેલા વિવિધ પ્રકારના ગેરકાયદેસર બાંધકામો સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ અભિયાન દરમિયાન ધાર્મિક સ્વરૂપના ગેરકાયદેસર દબાણો સહિત અન્ય બાંધકામો પણ દૂર કરવામાં આવ્યા હતા.
વહીવટી તંત્રનું કહેવું છે કે સરકારી મિલકતોને દબાણમુક્ત બનાવવાની ઝુંબેશ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે. ગેરકાયદેસર કબજાઓ સામે કોઈપણ પ્રકારની ઢીલ રાખવામાં નહીં આવે અને નિયમોનો ભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ કાર્યવાહી બાદ જૂના કંડલા વિસ્તારમાં લાખો રૂપિયાની કિંમતી સરકારી જમીન દબાણમુક્ત થતાં વહીવટી તંત્રે સંતોષ વ્યક્ત કર્યો છે.











