કેન્દ્રીય શ્રમિક સંગઠનોના સંયુક્ત મંચ (Joint Platform of Central Trade Unions) દ્વારા 1 એપ્રિલ 2026 ના રોજ સમગ્ર દેશમાં ‘કાળો દિવસ‘ ઉજવવાનું આહવાન કરવામાં આવ્યું છે. આ વિરોધ પ્રદર્શન સરકાર દ્વારા 21 નવેમ્બર 2025 થી લાગુ કરવામાં આવેલી ચાર નવી શ્રમ સંહિતાઓ (વેતન, ઔદ્યોગિક સંબંધો, સામાજિક સુરક્ષા અને વ્યવસાયિક સુરક્ષા સંહિતા) વિરુદ્ધ છે.
શ્રમિક સંગઠનોનો આરોપ છે કે, આ નવા કાયદાઓ સંપૂર્ણપણે માલિકલક્ષી (Pro-Employer) છે.અને તેને બનાવતી વખતે મજૂરોના હિતોને નેવે મૂકવામાં આવ્યા છે.સંગઠનોનું કહેવું છે કે,આ કોડ શ્રમિકોના સંગઠન બનાવવાના અને સામૂહિક સોદાબાજી (Collective Bargaining) કરવાના અધિકારોને નબળા પાડે છે.ટ્રેડ યુનિયનોનો દાવો છે કે,આ કાયદા શ્રમિકોને ફરીથી સંસ્થાનવાદી (અંગ્રેજોના) સમય જેવી શોષણકારી પરિસ્થિતિઓ તરફ ધકેલી દેશે.આરોપ છે કે,સરકારે આ કાયદાઓનો મુસદ્દો તૈયાર કરતી વખતે શ્રમિક સંગઠનો સાથે કોઈ અર્થપૂર્ણ ચર્ચા કરી નથી.જે આંતરરાષ્ટ્રીય શ્રમ ધોરણોનું ઉલ્લંઘન છે.
કાળો દિવસ કેવી રીતે મનાવવામાં આવશે?
1 એપ્રિલે દેશભરના તમામ કાર્યસ્થળો (ફેક્ટરીઓ, ઓફિસો અને ખાણો) પર વિરોધના અલગ-અલગ સ્વરૂપો જોવા મળશે:
-
શ્રમિકો પોતાના ગણવેશ પર કાળા બેજ લગાવશે અથવા માથા અને હાથ પર કાળી પટ્ટી બાંધશે.
-
લંચ બ્રેક દરમિયાન કાર્યસ્થળો પર વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કરવામાં આવશે.
-
અનેક રાજ્યોમાં ધરણા, પદયાત્રા, સાયકલ અને મોટરસાયકલ રેલીઓ કાઢવાનું પણ આયોજન છે.
કયા સંગઠનોનું સમર્થન છે ?
આ વિરોધ પ્રદર્શનને દેશના લગભગ તમામ મોટા શ્રમિક સંગઠનોનો સાથ મળ્યો છે.જેમાં AITUC, HMS, CITU, AIUTUC, SEVA, AICCTU, LPF અને UTUC મુખ્ય છે.ખાસ વાત એ છે કે,સંયુક્ત કિસાન મોરચા (SKM) એ પણ આ ‘કાળા દિવસ’ ને પોતાનું પૂર્ણ સમર્થન જાહેર કર્યું છે.
સરકારનું વલણ
સરકારની દલીલ છે કે,આ સુધારાઓ 29 જટિલ કાયદાઓને સરળ બનાવવા માટે કરવામાં આવ્યા છે. જેનાથી રોજગારીની તકો વધશે અને પારદર્શિતા આવશે. જોકે, 12 ફેબ્રુઆરી 2026 ના રોજ થયેલી ઐતિહાસિક હડતાળ પછી પણ સરકાર અને યુનિયનો વચ્ચે વાતચીતનો કોઈ રસ્તો નીકળી શક્યો નથી.
Post Views: 46











