ઈઝરાયેલનો ઈરાન પર ભીષણ હુમલો: ઈરાની સુરક્ષા પ્રમુખ અલી લારીજાની માર્યા ગયા હોવાનો ઈઝરાયેલના રક્ષામંત્રીનો દાવો

ઈઝરાયેલના રક્ષામંત્રીએ દાવો કર્યો છે કે તેમના દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઈરાનની ‘સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ’ના ચીફ અલી લારીજાની માર્યા ગયા છે…આ પહેલા ઈઝરાયેલી ડિફેન્સ ફોર્સ (IDF) એ દાવો કર્યો હતો કે ગઈરાત્રે ઈરાનમાં એક મોટો હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો અને આ હુમલાનું મુખ્ય લક્ષ્ય અલી લારીજાની હતા.

અન્ય સંગઠનોના ઠેકાણાઓ પર પણ પ્રહાર

ઈઝરાયેલે માત્ર લારીજાની જ નહીં, પરંતુ તેહરાનમાં છુપાયેલા પેલેસ્ટિનિયન ઈસ્લામિક જેહાદના નેતા અકરમ અલ-અજુરી અને અન્ય ટોચના અધિકારીઓને પણ નિશાન બનાવ્યા છે. જનરલ ઝમીરના જણાવ્યા અનુસાર, ગાઝા અને વેસ્ટ બેંકમાં આતંકી ગતિવિધિઓને અંજામ આપનારા આ સિનિયર ઓપરેટિવ્સ ઈરાનના એક સેફ હાઉસમાં છુપાયેલા હતા. ઈઝરાયેલે સ્પષ્ટ કર્યું છે કે તે પોતાની સુરક્ષા માટે ઈરાનની અંદર રહેલા બાહ્ય તત્વો અને આતંકી નેટવર્કને ખતમ કરવાનું ચાલુ રાખશે. આ ઓપરેશનને હાલના દિવસોમાં ઈરાન વિરુદ્ધ કરવામાં આવેલી સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે.

તેહરાનથી શિરાજ સુધી બોમ્બમારો

ઈઝરાયેલી વાયુસેનાએ ઈરાનના અલગ-અલગ શહેરોમાં આવેલા સૈન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ડઝનબંધ મિસાઈલો અને બોમ્બ વરસાવ્યા છે…IDF એ સોશિયલ મીડિયા પર નકશો જાહેર કરીને જણાવ્યું કે તેહરાનમાં કમાન્ડ સેન્ટર, ડ્રોન અને બેલેસ્ટિક મિસાઈલ સ્ટોરેજ સાઇટ્સને તબાહ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, દક્ષિણમાં શિરાજ અને ઉત્તર-પશ્ચિમમાં તબરીઝ જેવા વિસ્તારોમાં પણ ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમને ધ્વસ્ત કરી દેવામાં આવી છે. ઈઝરાયેલનું કહેવું છે કે આ હુમલાઓથી તેણે હવાઈ ક્ષેત્રમાં પોતાની પકડ મજબૂત કરી લીધી છે.

ઈરાનનું વલણ અને વધતો તણાવ

આ હુમલાના ઠીક એક દિવસ પહેલા અલી લારીજાનીએ મુસ્લિમ દેશોના નામે એક સંદેશ જાહેર કરી અમેરિકા અને ઈઝરાયેલ સામે અડગ રહેવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે જ્યારે પાડોશી દેશોમાં અમેરિકી બેઝ હાજર છે ત્યારે ઈરાન હાથ પર હાથ ધરીને બેસી શકે નહીં. લારીજાનીએ આ લડાઈને અમેરિકા-ઈઝરાયેલ વિરુદ્ધ મુસ્લિમ ઈરાન અને ‘રેઝિસ્ટન્સ ફોર્સિસ’ વચ્ચેનો મુકાબલો ગણાવ્યો હતો. હાલમાં ઈરાન તરફથી આ મોટા હુમલા અને લારીજાનીની સ્થિતિ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ સમગ્ર મધ્ય પૂર્વમાં યુદ્ધનો ખતરો વધુ વધી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE