લોકગાયિકા કિંજલ રબારીના આંતરજ્ઞાતીય લગ્નથી હોબાળો: “જીવનું જોખમ છે, પોલીસ રક્ષણ આપો”, વીડિયો શેર કરી ગાયિકાએ વ્યક્ત કરી વેદના

ગુજરાતી લોકગાયિકા કિંજલ રબારીએ તાજેતરમાં કરેલા આંતરજ્ઞાતીય લગ્ન બાદ વિવાદ વકર્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને કિંજલે ગંભીર આક્ષેપો કર્યા છે કે તેમને સતત ધમકીઓ મળી રહી છે. તેમણે સમાજની બેવડી માનસિકતા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, “જ્યાં સુધી હું પરિવાર અને સમાજ માટે કમાણી કરું ત્યાં સુધી હું સારી છું, પણ જ્યારે પોતાની જિંદગીનો નિર્ણય લઉં ત્યારે હું ખોટી કેવી રીતે થઈ ગઈ?”

સમાજની દીકરીઓ પર જ નિયમો કેમ? કિંજલ રબારીએ વીડિયોમાં રોષ સાથે જણાવ્યું કે, તેમના લગ્નના વિરોધમાં સમાજના કેટલાક લોકો દીકરીઓ માટે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયાના વપરાશ પર પ્રતિબંધ મૂકવાની વાતો કરી રહ્યા છે. તેમણે સવાલ કર્યો કે, “આવા કડક નિયમો માત્ર દીકરીઓ માટે જ કેમ? જ્યારે સમાજનો દીકરો અન્ય સમાજની યુવતી સાથે લગ્ન કરીને ઘરે લાવે છે ત્યારે બધું સ્વીકાર્ય હોય છે, પરંતુ દીકરી પોતાની પસંદગીનું પાત્ર પસંદ કરે ત્યારે વિરોધ કેમ કરવામાં આવે છે?”

પતિ સાથે ખુશ હોવાનો દાવો અને પોલીસ પ્રોટેક્શનની માંગ કિંજલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે તેમણે પોતાની મરજીથી અશોક ચૌધરી સાથે લગ્ન કર્યા છે અને તેઓ હાલ સુખી દાંપત્યજીવન જીવી રહ્યા છે. જોકે, સોશિયલ મીડિયા પર મળી રહેલી જાનથી મારી નાખવાની અને ઉપાડી જવાની ધમકીઓને પગલે તેમણે સુરક્ષાની માંગ કરી છે. તેમણે કહ્યું કે, “જો મને કે મારા પતિને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનું શારીરિક નુકસાન થશે, તો તેની સંપૂર્ણ જવાબદારી મારા પરિવારની રહેશે.”

અફવાઓ ન ફેલાવવા અપીલ વીડિયોના અંતમાં ગાયિકાએ લોકોને વિનંતી કરી છે કે તેમના અંગત જીવન અને લગ્નને લઈને સોશિયલ મીડિયા પર કોઈ પણ પ્રકારની ખોટી વાતો કે અફવાઓ ફેલાવવી નહીં. તેમણે કાયદાકીય રક્ષણ મેળવવા માટે પોલીસનો સંપર્ક પણ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Comment

READ MORE

READ MORE