ગુજરાત વિધાનસભામાં ગેસ સંકટ મુદ્દે વિપક્ષનો હોબાળો: અમિત ચાવડા ખભે સિલિન્ડર અને ધારાસભ્યો લાકડાં-છાણાં લઈને પહોંચ્યા

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે ગુજરાતના રસોડા સુધી પહોંચી છે. ઈઝરાયલ-ઈરાન સંઘર્ષને કારણે ગેસ સપ્લાય ચેઈન ખોરવાતા દેશભરમાં સર્જાયેલી LPGની અછત મુદ્દે આજે ગુજરાત વિધાનસભામાં જોરદાર વિરોધ જોવા મળ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ અનોખી રીતે પ્રદર્શન કરીને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.

ગાંધીનગરમાં અનોખો વિરોધ: લાકડાં અને છાણાં સાથે ધારાસભ્યોની એન્ટ્રી

વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન આજે કોંગ્રેસના ધારાસભ્યો ગેસની અછત અને વધતી મોંઘવારીના મુદ્દે આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા.

  • અમિત ચાવડા: પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા પોતે ખભા પર ગેસનો ખાલી બાટલો લઈને વિધાનસભા પરિસરમાં પહોંચ્યા હતા.

  • તુષાર ચૌધરી: કોંગ્રેસના અન્ય વરિષ્ઠ ધારાસભ્ય તુષાર ચૌધરી માથે લાકડાંનો ભારો લઈને આવ્યા હતા.

  • વિરોધ પ્રદર્શનમાં ધારાસભ્યોએ હાથમાં છાણાં અને “સાહેબનો આઈડિયા કામ આવ્યો?” તેવા લખાણવાળા પોસ્ટરો પ્રદર્શિત કરીને સરકારની નીતિઓ પર કટાક્ષ કર્યો હતો.

હોટલ-રેસ્ટોરન્ટ ઉદ્યોગ પર સંકટની તલવાર

ગેસની અછતને કારણે માત્ર ગૃહિણીઓ જ નહીં, પરંતુ વ્યાપારી ક્ષેત્રે પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ગુજરાતના અનેક શહેરોમાં રેસ્ટોરન્ટ્સ અને ખાણીપીણીના એકમો ગેસના અભાવે બંધ થવા લાગ્યા છે અથવા તો તેમનું કામકાજ મર્યાદિત કરવું પડ્યું છે. અમિત ચાવડાએ આક્ષેપ કર્યો હતો કે સરકારની આયોજનની નિષ્ફળતાને કારણે સામાન્ય જનતાએ ગેસ માટે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડે છે.

કેન્દ્ર સરકારની વિદેશ નીતિ પર પ્રહારો

અમિત ચાવડાએ આ સંકટ માટે કેન્દ્ર સરકારની વિદેશ નીતિને પણ જવાબદાર ઠેરવી હતી. તેમણે જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે તેલ અને ગેસના પુરવઠાને સુરક્ષિત રાખવામાં સરકાર નિષ્ફળ રહી છે, જેના કારણે આજે દેશમાં અંધાધૂંધી જેવી સ્થિતિ સર્જાઈ છે. જો તાત્કાલિક અસરકારક પગલાં લેવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં સ્થિતિ વધુ વણસી શકે છે તેવી ચેતવણી પણ વિપક્ષ દ્વારા આપવામાં આવી હતી.

Leave a Comment

READ MORE

READ MORE