હિંદ મહાસાગરમાં સૈન્ય ગતિવિધિઓ વચ્ચે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાએ દાવો કર્યો છે કે, તેણે ભારતથી પરત ફરી રહેલા ઈરાની યુદ્ધજહાજ ‘IRIS ડેના’ (IRIS Dena) ને સબમરીન દ્વારા ટોર્પિડો હુમલો કરીને ડૂબાડી દીધું છે. આ ભીષણ હુમલામાં જહાજ પર સવાર 180 સભ્યોમાંથી 80 લોકોના મોત થયાની પુષ્ટિ થઈ છે.
પીટ હેગસેથનું આક્રમક નિવેદન
અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે બુધવારે સવારે આ ઓપરેશનની વિગતો આપતા જણાવ્યું હતું કે, “અમે ઈરાનને નિયંત્રિત કરીશું અને તે પણ ખૂબ જ જલ્દી. ઈરાને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અમે તે કાવતરું રચનાર યુનિટના લીડરને જ ખતમ કરી દીધો છે.” તેમણે સ્પષ્ટ કર્યું કે આ કાર્યવાહી ઈરાનની ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓનો જવાબ છે.
કેવી રીતે થઈ ઘટના?
મળતી માહિતી મુજબ, ઈરાની ફ્રિગેટ ‘IRIS ડેના’ શ્રીલંકાના ગાલે કિનારાથી લગભગ 40 નોટિકલ માઈલ દૂર હતું ત્યારે અમેરિકી સબમરીને તેના પર ટોર્પિડો છોડ્યા હતા. હુમલા બાદ જહાજ મધદરિયે ડૂબવા લાગ્યું હતું.
-
કુલ સવાર: 180 ક્રૂ મેમ્બર્સ
-
મૃત્યુઆંક: 80 (પુષ્ટિ થયેલ)
-
બચાવ કામગીરી: શ્રીલંકન નેવી દ્વારા 32 લોકોને બચાવી લેવાયા છે.
-
લાપતા: બાકીના લોકો હજુ પણ ગુમ હોવાનું મનાય છે.
શ્રીલંકાની ભૂમિકા અને બચાવ કાર્ય
જહાજ ડૂબવા લાગતા તેમાંથી ‘ડિસ્ટ્રેસ કોલ’ (મદદ માટેનો સંદેશ) મોકલવામાં આવ્યો હતો. શ્રીલંકાના વિદેશ મંત્રી વિજિથા હેરાથે જણાવ્યું કે, ઘટનાની જાણ થતા જ શ્રીલંકન નૌકાદળ અને વાયુસેનાના જહાજો તેમજ એરક્રાફ્ટ બચાવ કાર્ય માટે રવાના કરવામાં આવ્યા હતા. શ્રીલંકન નેવીના પ્રવક્તાએ જણાવ્યું કે દરિયાની સ્થિતિ અને હુમલાની તીવ્રતાને જોતા મોટાભાગના લોકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
ભારતથી પરત ફરી રહ્યું હતું જહાજ
રિપોર્ટ્સ અનુસાર, આ ઈરાની યુદ્ધજહાજ ભારતની મુલાકાતે હતું અને ત્યાંથી પરત ફરી રહ્યું હતું ત્યારે હિંદ મહાસાગરમાં તેને નિશાન બનાવવામાં આવ્યું હતું. આ ઘટના બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે, ખાસ કરીને ખાડી દેશો અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે.
Post Views: 101











