રાજકોટ શહેરની સ્થિતિ ‘રાડી રાંડનું ખેતર અને બાવો રાખોલીયો’ જેવી હોવાની ફરિયાદો લોકો કરી રહ્યા છે.શહેરમાં રોડ રસ્તાના પ્રશ્નો, ગેરકાયદેસર બાંધકામોના પ્રશ્નો, પ્રદુષણના પ્રશ્નો, અધિકારીઓના ભ્રષ્ટાચારના પ્રશ્નો, પાલિકાના અને સત્તાપક્ષના હોદ્દેદારોના તાયફાઓ અને લોકપ્રશ્નો સામેનું તેઓનું મૌન શહેરીજનો માટે મોટી સમસ્યા બની રહ્યા છે. પાલિકાના જવાબદાર અધિકારી મનપા કમિશનર બેજવાબદાર થઈને નિવેદનો આપી રહ્યા હોવા સામે લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે. રાજકોટમાં મંજૂરી વગર હાઈરાઈઝ ઉભા થઇ જાય છે. વોકળા ઉપર પ્લાન પાસ થઇ જાય છે. સરકારી અને પાલિકાની જમીનો મામકાઓને વેંચાઈ જાય છે અને તેમાં પણ બાંધકામો થઇ જાય છે. આવી સ્થિતિમાં હમણા જ્યાં પચાસ માળની બહુમાળી ઈમારત ઉભી કરવાના સ્વપનો દેખાડવામાં આવી રહ્યા છે તે નાનામવાની સર્વે નંબર 106ની જમીનમાં હજુ પ્લાન પાસ થયો નથી..પણ ત્રીસ-ચાલીસ ફૂટનો મૌતનો કૂવો ખોદાઈ ગયો હોવાથી આશ્ચર્ય સર્જાયું છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજકોટમાં છેલ્લા બે વર્ષથી આ ગગનચુંબી ઈમારત ઉભી કરવાની જાહેરાતો કરવામાં આવે છે અને બે વર્ષથી નાનામવાના સર્વે નંબર 106, ટીપીના ફાઈનલ પ્લોટ નંબર 291ની જમીનમાં બ્લાસ્ટિંગ કરીને ખાડો કરવામાં આવી રહ્યો છે. ભૂતકાળમાં આ બ્લાસ્ટિંગને કારણે વિવાદ પણ થયા હતા.તો આ ખાડામાંથી બહાર નીકળતા ખનીજે પણ વિવાદ ઉભા કર્યા હતા. હાલ તો આ પ્રોજેક્ટ હમણાં આરકે ગ્રુપે હાયર કર્યો હોવાનું અને પ્લાન પાસ કરવાનો ઉધમ આદર્યો હોવાનું જાણવા મળે છે. પણ પ્લાન પાસ સામે જમીનનો ભૂતકાળ ઘૂરકિયા મારી રહ્યો હોવાનું કહેવાય છે.હાલ આ વિના મંજૂરીએ સ્થળે બાંધકામ પણ ચાલું છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે મૂળ જમીન માલિકોની આ આખી જમીન યુએલસી કાયદા હેઠળ ફાજલ થઇ હતી.અને ફાજલ જમીનનો કબ્જો પણ સરકારે સાંભળી લીધો હતો.દાયકા પછી હિત ધરાવતા અરજદારની અરજીના આધારે કાયદાએ શીર્ષાસન કરીને ફાજલ 28 હજાર મીટર જમીનમાંથી 180 મીટર જમીન ફાજલ કરીને બાકીની બધી જમીન માલિકોને પરત કરી હોવાનું કહેવાય છે.
એવું પણ બહાર આવ્યું છે કે આ જમીનમાં પંચમુખી કો-ઓપરેટીવ સોસાયટી પણ જુના સમયથી ઉભી હોવાની ચર્ચા છે તો આ જમીન મુદ્દે સુપ્રીમ કોર્ટમાં કોઈ લીટીગેશન પણ ચાલી રહ્યું હોવાનું સામે આવી રહ્યું છે. આ જમીનના તાર નાનામવા સર્વે નંબર 85ની વિવાદી ફાજલ જમીન અને તેમાં થયેલા કૌભાંડ સાથે પણ જોડાયેલા હોવાનું ધીરે ધીરે બહાર આવું રહ્યું હોવાની ચર્ચા થઇ રહી છે..ઉપરાંત ટીપી ફાળવણીમાં પણ ફાજલ જમીન અને આપવા પાત્ર જમીનમાં મેળવણું પણ શંકાસ્પદ હોવાની જાણકારો આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આમ, રેવન્યુ વિવાદોથી ઘેરાયેલી 106ની જમીનમાં પ્લાન મંજુર કરવામાં કેટલીક ક્વેરીઓ તંત્રની સામે આવતા આ પ્રોજેક્ટ ટોક ઓફ ધી ટાઉન બની રહ્યો હોવાનું જાણકારો જણાવી રહ્યા છે.કહેવાય છે કે કોઈ અમંગળ ઘડીએ આ જમીનમાં પ્રોજેક્ટમાં કોઈ અભાગીયાના હાથે ખાતમુર્હત કરવામાં આવ્યું હોવાની આશંકા પણ બતાવાઈ રહી છે. આ જમીનમાં હવે પછી કેવી રેવન્યુ ગેરરીતી ક્યારે બહાર આવે તે બાબતે પણ જાણકારોમાં મતમતાંતર સાંભળવા મળી રહ્યા છે.
Post Views: 195











