ગુજરાતમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 7 માર્ચ બાદ તાપમાનમાં વધારો થવાની આગાહી કરી છે. જ્યારે પરેશ ગોસ્વામીએ ખેડૂતોને વાવેતર શરૂ કરવા જણાવ્યું હતું.
ગુજરાતમાં હાલ ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જેમાં સવારથી સાંજ સુધી તાપમાન વધી વધે છે, જ્યારે સાંજ બાદ તાપમાનમાં ઘટાડો થાય છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા સાતમી માર્ચ બાદ તાપમાનમાં વધારો નોંધાવવાની આગાહી કરી હતી. જેમાં રવિવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને રાજકોટમાં 35 ડિગ્રીને પાર નોંધાયું છે. ત્યારે આગામી સપ્તાહમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની હવામાન વિભાગ તથા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ આગાહી કરી હતી.
શું કહ્યું હવામાન વિભાગે
હવામાન અંગેની આગાહી પ્રમાણે સોમવાર સુધી મહત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો અને પછી આગામી પાંચ દિવસ તાપમાનમાં મોટા ફેરફારોની શક્યતાઓ નથી. શનિવારે હવામાન વિભાગ દ્વારા તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. ગરમી વધવાના જે સંકેત આપવામાં આવ્યા છે તેના કારણે આ વર્ષે તાપમાન રેકોર્ડ તોડશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે શનિવારે 7 દિવસની આગાહી કરી હતી તેમાં ગરમી, ઠંડી કે માવઠા અંગેની કોઈ ચેતવણી આપી નથી. પરંતુ આગામી દિવસોમાં ગરમીમાં વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરાઇ છે.
અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે માર્ચ મહિનામાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યા કરશે. તેના કારણે વાતાવરણમાં પલટો પણ જોવા મળશે. ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 7 માર્ચ પહેલાં ઉત્તર ગુજરાત, કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન કંઈક અંશે ઘટેલું રહેશે. 7 માર્ચ બાદ મહત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ રહેશે. ઉત્તર પૂર્વ ગુજરાતમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે. કચ્છના ભાગોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી આસપાસ રહેશે. તેઓના વધુ જણાવ્યા મુજબ ગુજરાતના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી અથવા આસપાસ રહેવાની શક્યતાઓ રહેશે. એપ્રિલ મહિનામાં પણ વંટોળ અને લૂની શક્યતાઓ રહેશે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી
તેમના જણાવ્યા મુજબ પવનની સ્પીડ નોર્મલ કરતાં ત્રણ પોઈન્ટ વધારે ચાલી રહી છે. એક અઠવાડિયા માટે પવનની ગતિ આટલી જ રહેવાની શક્યતા છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ શકે છે. એટલે કે પવનની દિશા અને ગતિ નોર્મલ નજીક રહે તેવી શક્યતાઓ છે. તાપમાન અંગે તેઓએ જણાવ્યું હતું કે ખેડૂતોએ 15મી માર્ચ સુધી ઉનાળુ પાકનું વાવેતર કરી દેવું જોઈએ. તેનાથી મોડું વાવેતર કરવું જોઈએ નહીં.











