રાજકોટ: ગુજરાતમાં ચોમાસું સક્રિય બનતા અને રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થતાં ખાદ્યતેલ બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં વિવિધ ખાદ્યતેલોના ભાવમાં વધારો નોંધાયો છે, જેમાં સિંગતેલ અને કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં ₹15 સુધીનો ઉછાળો આવ્યો છે.
રાજકોટ તેલ બજારના તાજા ભાવ મુજબ, નવા સિંગતેલનો ડબ્બો ₹15ના વધારા સાથે ₹2,685થી ₹2,735ના ભાવે પહોંચ્યો છે. જ્યારે કપાસિયા તેલનો ડબ્બો પણ ₹15 વધીને ₹2,600થી ₹2,650ના સ્તરે વેચાઈ રહ્યો છે. પામોલીન તેલમાં પણ ભાવ વધારો નોંધાયો છે અને તેનો ડબ્બો ₹2,335થી ₹2,345 સુધી પહોંચ્યો છે.
તેલ વેપારીઓના જણાવ્યા અનુસાર, રાજ્યમાં વ્યાપક વરસાદ અને આગામી દિવસોમાં વધુ મેઘમહેરની આગાહીને કારણે કાચા માલના પુરવઠા પર અસર થવાની શક્યતા છે. ઉત્પાદન ઘટવાની આશંકા અને વરસાદી મોસમમાં માંગ વધવાના અનુમાનને કારણે બજારમાં તેજી જોવા મળી રહી છે.
વેપારીઓનું કહેવું છે કે વરસાદનો વર્તમાન રાઉન્ડ પૂર્ણ થયા બાદ રાજ્યમાં વાવેતરની સ્થિતિ સ્પષ્ટ બનશે. ત્યારબાદ કાચા માલની ઉપલબ્ધતા અને બજારની માંગને આધારે ખાદ્યતેલોના ભાવની આગામી દિશા નક્કી થશે.










