રાજ્યની છ નવી ગ્રામ્ય D.E.O. કચેરીઓને ઇન્ચાર્જ મળ્યા, રાજકોટ ગ્રામ્યનો ચાર્જ દિક્ષિત પટેલને

ગાંધીનગર: રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે જિલ્લા શિક્ષણ વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે શરૂ કરવામાં આવેલી નવી ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારી (D.E.O.) કચેરીઓ માટે ઇન્ચાર્જ અધિકારીઓની નિમણૂક જાહેર કરી છે. રાજકોટ સહિત રાજ્યની છ નવી ગ્રામ્ય D.E.O. કચેરીઓ માટે અધિકારીઓને જવાબદારી સોંપતા સત્તાવાર આદેશો બહાર પાડવામાં આવ્યા છે.

આદેશ મુજબ રાજકોટ ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારી (D.E.O.) કચેરીના ઇન્ચાર્જ તરીકે દિક્ષિત પટેલની નિમણૂક કરવામાં આવી છે. તેઓ હાલમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે અને તેમની પાસે જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારીનો વધારાનો ચાર્જ પણ છે. હવે તેમને રાજકોટ ગ્રામ્ય D.E.O. કચેરીની વધારાની જવાબદારી પણ સોંપવામાં આવી છે.

શિક્ષણ વિભાગ દ્વારા અન્ય જિલ્લાઓ માટે પણ ઇન્ચાર્જ D.E.O.ની નિમણૂક કરવામાં આવી છે. જેમાં અમદાવાદ પૂર્વ માટે રોહિત ચૌધરી, ગાંધીનગર ગ્રામ્ય માટે ભગવાનજીભાઈ પ્રજાપતિ, વડોદરા ગ્રામ્ય માટે મહેશકુમાર પાંડે, કચ્છ ગ્રામ્ય માટે સંજય પરમાર અને સુરત ગ્રામ્ય માટે ભગીરથસિંહ પરમારની નિમણૂક કરવામાં આવી છે.

શિક્ષણ વિભાગના આ નિર્ણયથી નવી ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓ ઝડપથી કાર્યરત બનશે તેમજ જિલ્લા સ્તરે શૈક્ષણિક વહીવટ, સંકલન અને દેખરેખ વધુ અસરકારક રીતે થઈ શકશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE