અપ્રમાણસર સંપત્તિનો મોટો ભંડાફોડ: ₹200 કરોડની મિલકત કેસમાં DSP ઝડપાયા

હૈદરાબાદ: તેલંગાણા ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)એ અપ્રમાણસર સંપત્તિ મામલે મોટી કાર્યવાહી કરતાં પોલીસ કોમ્પ્યુટર સર્વિસીસ (PCS) વિભાગમાં ફરજ બજાવતા ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (DSP) સંકીરેડ્ડી ભીમ રેડ્ડીની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં તેમની પાસે આવકના જાણીતા સ્ત્રોત કરતાં અનેકગણી વધુ, અંદાજે ₹200 કરોડથી વધુની સંપત્તિ હોવાનું સામે આવ્યું છે.

ACBની ટીમોએ ગુરુવારે વહેલી સવારે હૈદરાબાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં આવેલા 16 સ્થળોએ એકસાથે દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન હૈદરાબાદમાં આવેલા વિલા, અનેક ફ્લેટ, કોમર્શિયલ મિલકતો અને ખુલ્લા પ્લોટ ઉપરાંત તેલંગાણા, કર્ણાટક અને બેંગ્લુરુમાં મળીને 50 એકરથી વધુ જમીન મળી આવી હતી.

દરોડા દરમિયાન ₹43.60 લાખની રોકડ, ₹75 લાખનું રોકાણ, અંદાજે 2 કિલોગ્રામ સોનાના દાગીના, 20 કિલોગ્રામ ચાંદીના વાસણો તેમજ આશરે ₹20 લાખની બેંક જમા રકમ પણ જપ્ત કરવામાં આવી હતી.

ACBના જણાવ્યા મુજબ, આરોપી પાસે મળી આવેલી તમામ સ્થાવર અને જંગમ મિલકતોનું અંદાજિત બજાર મૂલ્ય ₹200 કરોડથી વધુ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. તપાસ પૂર્ણ થયા બાદ સંકીરેડ્ડી ભીમ રેડ્ડીની ધરપકડ કરી તેમની સામે ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ACB હવે સંપત્તિના સ્ત્રોત, નાણાંકીય વ્યવહારો અને અન્ય સંભવિત જોડાણોની વિગતવાર તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE