અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના સાણંદ ખાતે ભારતના સેમિકન્ડક્ટર ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ ગણાતા CG સેમિની OSAT (Outsourced Semiconductor Assembly and Test) સુવિધાનું લોકાર્પણ કરશે. વડાપ્રધાનના હસ્તે શુભારંભ બાદ પ્લાન્ટમાંથી વ્યાવસાયિક ધોરણે સેમિકન્ડક્ટર ચીપ્સનું ઉત્પાદન શરૂ થશે અને દેશ-વિદેશના ગ્રાહકોને સપ્લાય કરવામાં આવશે.
ભારતના સેમિકન્ડક્ટર મિશન હેઠળ રૂ. 7,600 કરોડના રોકાણ સાથે તૈયાર થયેલા આ પ્રોજેક્ટને ફેબ્રુઆરી-2024માં કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી હતી. CG પાવર એન્ડ ઇન્ડસ્ટ્રિયલ સોલ્યુશન્સ લિમિટેડની સહાયક કંપની CG સેમિ પ્રા. લિ. દ્વારા વિકસાવવામાં આવેલી આ સુવિધા જાપાનની રેનેસાસ ઇલેક્ટ્રોનિક્સ અને થાઈલેન્ડની સ્ટાર માઇક્રોઇલેક્ટ્રોનિક્સ સાથેની ભાગીદારીમાં કાર્યરત થશે.
આ પ્લાન્ટમાં સેમિકન્ડક્ટર ચીપ્સનું એસેમ્બલી, ટેસ્ટિંગ અને પેકેજિંગ કરવામાં આવશે. અહીં QFN, QFP જેવી લિગેસી ચીપ્સ ઉપરાંત FC-BGA અને FC-CSP જેવી આધુનિક ચીપ્સનું ઉત્પાદન થશે, જે ઓટોમોટિવ, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, 5G, ઇન્ડસ્ટ્રિયલ સાધનો અને પાવર એપ્લિકેશન સહિતના ક્ષેત્રોની માંગ પૂરી કરશે.
CG સેમિ દ્વારા બીજા OSAT પ્લાન્ટનું નિર્માણ પણ ચાલી રહ્યું છે. બંને પ્લાન્ટ સંપૂર્ણ કાર્યરત થયા બાદ દરરોજ અંદાજે 1.5 કરોડ સેમિકન્ડક્ટર ચીપ્સનું ઉત્પાદન કરવાની ક્ષમતા વિકસશે. હાલ પ્લાન્ટમાં 300થી વધુ કર્મચારીઓ કાર્યરત છે અને આગામી પાંચ વર્ષમાં 5,000થી વધુ સીધી તથા પરોક્ષ રોજગારીની તકો સર્જાવાનો અંદાજ છે.
વડાપ્રધાન મોદી પ્લાન્ટમાં વિવિધ સેમિકન્ડક્ટર પ્રક્રિયાઓનું નિરીક્ષણ કર્યા બાદ જનસભાને સંબોધશે. કાર્યક્રમમાં કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના વિજ્ઞાન-પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
વડાપ્રધાન મોદીના જણાવ્યા અનુસાર ભારતનું લક્ષ્ય માત્ર સેમિકન્ડક્ટર ઉત્પાદન પૂરતું મર્યાદિત નથી, પરંતુ ડિઝાઇનથી લઈને ઉત્પાદન, પેકેજિંગ, લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇન સુધીનું સંપૂર્ણ ઇકોસિસ્ટમ ઊભું કરવાનું છે. ‘ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0’ આ દિશામાં મહત્વપૂર્ણ પગલું બની રહ્યું છે અને ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર હબ બનાવવાના પ્રયાસોને નવી ગતિ આપશે.










