સોરઠમાં મેઘતાંડવ: માંગરોળમાં બે દિવસમાં 40 ઇંચ વરસાદ, અનેક ગામોમાં પૂર જેવી સ્થિતિ

રાજકોટ: સૌરાષ્ટ્રમાં ચોમાસાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં જુનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં મેઘરાજાએ ભારે તબાહી મચાવી છે. છેલ્લા બે દિવસમાં અંદાજે 40 ઇંચ વરસાદ નોંધાતા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યારે લોરી નદી ગાંડીતૂર બનતાં અનેક ગામો પાણીમાં ગરકાવ થયા છે.

શુક્રવારે માત્ર 24 કલાકમાં જ અંદાજે 28 ઇંચ વરસાદ વરસતાં માંગરોળ બંદર વિસ્તાર ઉપરાંત આરેણા, ખોડાદા, કુકસવાડા, શેરીયાજ, શાહપુર, વિસણવેલ અને ચોરવાડના અનેક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં આવેલા મકાનોમાં ચાર ફૂટ સુધી પાણી ભરાઈ જતાં અનેક પરિવારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

ભારે વરસાદના કારણે સોમનાથ-માંગરોળ-પોરબંદર નેશનલ હાઇવે પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો. આજે સવારે પાણી ઓસર્યા બાદ માર્ગ ફરી શરૂ કરવામાં આવ્યો હતો. અનેક સ્થળોએ વીજ થાંભલા ધરાશાયી થતાં ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો.

માંગરોળ ઉપરાંત મેંદરડા, માળીયા હાટીના અને કેશોદમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. માળીયા હાટીનામાં અંદાજે 15 ઇંચ, જ્યારે કેશોદમાં 13 ઇંચ વરસાદ નોંધાતા અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા. કેશોદના અંડરબ્રિજ, એરપોર્ટ રોડ અને રેલવે ટ્રેક પર પાણી ફરી વળતાં જનજીવન પ્રભાવિત થયું હતું.

કેશોદમાં છેલ્લા ત્રણ દિવસમાં કુલ 26 ઇંચ વરસાદ નોંધાતા ઘેડ વિસ્તાર પાણીમાં ગરકાવ બન્યો છે અને અનેક ગ્રામ્ય માર્ગો બંધ થતાં ગામોનો સંપર્ક તૂટી ગયો છે. ખેડૂતો માટે વરસાદ લાભદાયી સાબિત થયો છે, પરંતુ ખેતરોમાં પાણી ભરાઈ જતાં હવે વરસાદ અટકી વરાપ નીકળે તેની રાહ જોવાઈ રહી છે.

રાજ્યભરમાં પણ ચોમાસું સક્રિય છે. છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લાના 225 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, સુરત અને વલસાડ જિલ્લામાં અનેક સ્થળોએ 8થી 14 ઇંચ સુધી વરસાદ પડ્યો છે, જ્યારે મધ્ય ગુજરાતમાં પણ વ્યાપક વરસાદ નોંધાયો છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા મુજબ રાજ્યમાં સિઝનનો કુલ વરસાદ 13.27 ટકા સુધી પહોંચી ગયો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ યથાવત રહેવાની આગાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE