ઉત્તર પ્રદેશના લખનૌમાં એક હોટલમાં પાંચ લોકોની હત્યા કરી દેવામાં આવી. પાંચેય એક જ પરિવારના સભ્યો હતા, જેમની હત્યા તેમના જ પરિવારના એક વ્યક્તિએ કરી. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
ઉત્તર પ્રદેશના લખનૌથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં નવા વર્ષ નિમિત્તે એક જ પરિવારના 5 લોકોની હત્યા કરી દેવામાં આવી. ચોંકાવનારી વાત એ છે કે હત્યા પરિવારના જ એક સભ્ય દ્વારા કરવામાં આવી. પરિવારના પાંચેય સભ્યોની લાશ લખનૌની હોટેલ શરણજીતમાંથી મળી આવી.
માહિતી અનુસાર, આ ઘટના થાના નાકા વિસ્તારની છે, જ્યાંની હોટલ શરણજીતમાં અરશદ નામના યુવકે પોતાની માતા અને ચાર બહેનોની હત્યા કરી દીધી. હત્યા કરવા પાછળનું કારણ પારિવારિક વિવાદ હોવાનું કહેવાય છે. આરોપી અરશદની પોલીસે ધરપકડ કરી લીધી છે. પ્રારંભિક પૂછપરછમાં આરોપીએ હત્યા કરવાનું કારણ પારિવારિક વિવાદ હોવાનું જણાવ્યું છે, જો કે હકીકત શું છે, તેની પોલીસ હજુ તપાસ કરી રહી છે.
આગ્રાથી આવ્યા હતા લખનૌ
જણાવવામાં આવી રહ્યું છે કે અરશદ પોતાના આખા પરિવાર સાથે મંગળવારે એટલે કે કાલે રાતે જ આગ્રાથી લખનૌ આવ્યો હતો, જ્યાં તેઓ હોટલ શરણજીતમાં રોકાયા હતા. હોટલમાં જ તેણે આ ભયાનક ઘટનાને અંજામ આપ્યો હતો. અરશદ અને તેનો આખો પરિવાર આગ્રાના રહેવાસી છે, જ્યાં તેઓ ઇસ્લામ નગરના તેડી બગીયાના કુબેરપુરમાં રહે છે. આ ઘટના અંગે ડીસીપીનું નિવેદન પણ સામે આવ્યું છે.
ઘટના અંગે પોલીસે શું કહ્યું?
ડીસીપી રવિના ત્યાગીએ કહ્યું, “આજે હોટલ શરણજીતના એક રૂમમાંથી પાંચ લોકોની લાશ મળી. સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગ્રાના રહેવાસી લગભગ 24 વર્ષીય અરશદ નામના વ્યક્તિની ધરપકડ કરી લીધી. પ્રારંભિક પૂછપરછમાં જ તેણે હત્યાની વાત કબૂલી લીધી. તેણે જણાવ્યું કે પારિવારિક વિવાદને કારણે તેને પોતાની ચારેય બહેનો અને માતાની હત્યા કરી દીધી. પૂછપરછ કરવામાં આવી રહી છે અને આગળની તપાસ ચાલુ છે.”











