ઐતિહાસિક ઘડી! કેન્દ્રીય કાયદા મંત્રીએ વન નેશન વન ઈલેક્શન બિલ લોકસભામાં કર્યું રજૂ

વન નેશન વન ઇલેક્શન સંબંધિત બિલ આજે એટલે કે મંગળવારે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે. આ બિલ ચર્ચા માટે સંસદની સંયુક્ત સમિતિ (JPC)ને મોકલવા માટે તૈયાર છે.

કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે મંગળવારે બપોરે લોકસભામાં બંધારણ સંશોધન બિલ અને કેન્દ્રશાસિત પ્રદેશ સંશોધન બિલ રજૂ કરી દીધું. આ બિલ ચર્ચા માટે સંસદની સંયુક્ત સમિતિ (JPC)ને મોકલવા માટે તૈયાર છે. ભાજપે વ્હીપ જાહેર કર્યો છે. વહેલી સવારે કોંગ્રેસે તેના લોકસભા સાંસદોની બેઠક બોલાવી હતી. આ બિલને ‘બંધારણ (129મો સુધારો) બિલ 2024’ નામ આપવામાં આવ્યું છે. આ બિલ રજૂ કર્યા બાદ સરકાર તેને સંસદની સંયુક્ત સમિતિ (JPC)ને મોકલવાની ભલામણ કરવા જઈ રહી છે. ભાજપે પોતાના સાંસદો માટે વ્હીપ જાહેર કર્યો હતો. જયારે કોંગ્રેસે સવારે ઇમરજન્સી બેઠક બોલાવી અને ત્રણ લીટીનો વ્હીપ જાહેર કર્યો. વિપક્ષ વન નેશન, વન ઈલેક્શનનો સતત વિરોધ કરી રહ્યો છે.

શું છે વન નેશન વન ઇલેક્શન?

હાલમાં ભારતમાં, રાજ્યની વિધાનસભા અને દેશની લોકસભાની ચૂંટણીઓ અલગ-અલગ સમયે યોજાય છે. વન નેશન વન ઇલેક્શનનો મતલબ છે કે સમગ્ર દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે થાય.

એક સાથે ચૂંટણી શા માટે ઇચ્છે છે સરકાર

નવેમ્બર 2020 માં, પીએમ નરેન્દ્ર મોદીએ ઘણા મંચો પર ‘વન નેશન વન ઇલેક્શન’ પર વાત કરી હતી. તેમણે કહ્યું છે કે, “એક દેશ, એક ચૂંટણી એ માત્ર ચર્ચાનો વિષય નથી, પરંતુ ભારતની જરૂરિયાત છે. દર થોડા મહિને ક્યાંક ને ક્યાંક ચૂંટણીઓ યોજાતી રહે છે. તેની અસર વિકાસના કામ પર પડે છે. આખા દેશની વિધાનસભાઓ અને લોકસભાની ચૂંટણીઓ એક સાથે થાય છે તો તેનાથી ચૂંટણી પર થતા ખર્ચમાં ઘટાડો થશે.”

આ બિલના વિરોધમાં અપાઈ રહી છે આવી દલીલો

વન નેશન વન ઇલેક્શનને લઈને વિપક્ષ અનેક પ્રકારની દલીલો કરી રહ્યો છે. કોંગ્રેસની દલીલ છે કે જો ચૂંટણી એકસાથે યોજાય તો મતદારોના નિર્ણયને અસર થવાની સંભાવના છે. જો 5 વર્ષમાં એકવાર ચૂંટણી થાય તો સરકારની જનતા પ્રત્યેની જવાબદારી ઓછી થઈ જશે.

વન નેશન વન ઇલેક્શન પર વિચાર કરવા રચવામાં આવી હતી સમિતિ

વન નેશન વન ઇલેક્શન પર વિચાર કરવા માટે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં 2 સપ્ટેમ્બર, 2023ના રોજ એક સમિતિની રચના કરવામાં આવી હતી. કોવિંદની સમિતિમાં ગૃહમંત્રી અમિત શાહ, પૂર્વ સાંસદ ગુલામ નબી આઝાદ, જાણીતા વકીલ હરીશ સાલ્વે, કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી, 15મા નાણાં પંચના ભૂતપૂર્વ અધ્યક્ષ એનકે સિંહ, પોલિટિકલ સાઇન્ટિસ્ટ સુભાષ કશ્યપ, ભૂતપૂર્વ કેન્દ્રીય વિજિલન્સ કમિશનર (CVC) સંજય કોઠારી સહિત 8 સભ્યો છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલને સમિતિના વિશેષ સભ્ય બનાવવામાં આવ્યા છે. સમિતિએ 14 માર્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. તેને 18 સપ્ટેમ્બરે મોદી કેબિનેટે મંજૂરી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE