ઝાલોદની બેંક ઓફ બરોડા શાખામાં બેંકિંગ સેવાઓમાં વિલંબથી ગ્રાહકો પરેશાન, સુવિધા સુધારવા લેખિત રજૂઆત

ઝાલોદ: દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં આવેલી બેંક ઓફ બરોડાની શાખામાં KYC અપડેટ, મોબાઇલ નંબર લિંકિંગ સહિતની વિવિધ બેંકિંગ સેવાઓમાં થઈ રહેલા વિલંબને કારણે ગ્રાહકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે સામાજિક કાર્યકર નીલમ એમ. વસૈયા દ્વારા શાખા મેનેજરને લેખિત રજૂઆત કરીને સેવાઓમાં તાત્કાલિક સુધારો લાવવાની માંગ કરવામાં આવી છે.

રજૂઆતમાં જણાવ્યા મુજબ, આદિવાસી બહુલ ઝાલોદ તાલુકાના ખેડૂતો, મજૂરો, વૃદ્ધો અને વિદ્યાર્થીઓને નાનાં-નાનાં બેંકિંગ કામો માટે પણ અનેક વખત બેંકના ધક્કા ખાવા પડી રહ્યા છે. કેટલાક ગ્રાહકો ચારથી પાંચ દિવસ સુધી સતત બેંકમાં ચક્કર લગાવવા છતાં તેમના કામો પૂર્ણ થતા નથી. ગામડાંઓમાંથી આવતા લોકોને રોજિંદી મજૂરી અને રોજગાર છોડીને બેંક સુધી આવવું પડતું હોવાથી આર્થિક તેમજ માનસિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.

સામાજિક કાર્યકરે બેંક તંત્ર સમક્ષ KYC અને મોબાઇલ નંબર અપડેટની પ્રક્રિયા ઝડપી બનાવવા, ગ્રાહકોને કામગીરી માટે સ્પષ્ટ સમયમર્યાદા જણાવવા, વધતી ભીડને ધ્યાનમાં રાખીને વધારાનો સ્ટાફ અથવા અલગ કાઉન્ટરની વ્યવસ્થા કરવા તેમજ બાકી અરજીઓનો પ્રાથમિકતાના ધોરણે નિકાલ કરવાની માંગ કરી છે.

સ્થાનિક નાગરિકોએ પણ ચેતવણી આપી છે કે જો આગામી દિવસોમાં બેંકિંગ સેવાઓમાં સુધારો નહીં થાય તો તેઓ આગળના કાર્યક્રમ અંગે વિચારણા કરશે. જોકે, આ મુદ્દે બેંક ઓફ બરોડા તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિસાદ જાહેર કરવામાં આવ્યો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE