નવી દિલ્હી: દેશમાં નૈઋત્ય ચોમાસું હવે સંપૂર્ણ રીતે સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ચાલી રહેલા ભારે વરસાદ વચ્ચે ચોમાસાની સિઝનનું પ્રથમ લો-પ્રેશર એરિયા સર્જાતા આગામી દિવસોમાં વરસાદનું જોર વધુ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા મુજબ ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી તેમજ તેને અડીને આવેલા ઉત્તર ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા વિસ્તારમાં પ્રથમ લો-પ્રેશર સિસ્ટમ રચાઈ છે. તેના પ્રભાવથી નૈઋત્ય ચોમાસું વધુ મજબૂત બનશે અને પશ્ચિમ તથા મધ્ય ભારતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ સર્જાઈ શકે છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે લો-પ્રેશર સાથે આશરે 7.6 કિલોમીટરની ઊંચાઈએ સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય છે. આગામી બે-ત્રણ દિવસ દરમિયાન આ સિસ્ટમ વધુ મજબૂત બનવાની સંભાવના છે, જેના કારણે ગુજરાત, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં વરસાદની તીવ્રતા વધી શકે છે.
મુંબઈ હવામાન કેન્દ્ર દ્વારા કોંકણ અને મધ્ય મહારાષ્ટ્ર માટે ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ખાસ કરીને પુણે, સતારા અને કોલ્હાપુર જિલ્લામાં આગામી દિવસોમાં ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગે નીચાણવાળા અને સંવેદનશીલ વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા તેમજ સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા જાહેર કરવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.










