અંજાર: કચ્છના અંજાર પોલીસે રૂપિયા ડબલ કરવાની લાલચ આપી લોકોને છેતરતી ટોળકીનો પર્દાફાશ કરીને બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ રાજકોટના એક યુવકને રૂ. 1.50 લાખના બદલામાં રૂ. 6 લાખ આપવાનું વચન આપી છેતરપીંડી આચરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
પોલીસે આ કેસમાં અલીઅબ્બાસ કાશમશા શેખ અને મહમદરઝાક શેખને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી રૂ. 1.50 લાખની રોકડ રકમ, એક કાર અને બે મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પ્રાથમિક તપાસ મુજબ, આરોપીઓ ઝડપથી રૂપિયા બમણા કરવાની લાલચ આપી લોકોને વિશ્વાસમાં લેતા અને બાદમાં તેમની પાસેથી મોટી રકમ પડાવી લેતા હતા. ફરિયાદ મળ્યા બાદ અંજાર પોલીસે ઝડપી કાર્યવાહી કરીને બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
પોલીસે આરોપીઓ સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. કેસમાં સંડોવાયેલા અન્ય બે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે શોધખોળ તેજ કરવામાં આવી છે. ઉપરાંત, આરોપીઓએ રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ આવી જ પ્રકારની છેતરપીંડી આચરી છે કે નહીં તે દિશામાં પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.











