નવી દિલ્હી: દેશની મેડિકલ અને એન્જિનિયરિંગ પ્રવેશ પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ફેરફારની તૈયારી ચાલી રહી છે. NEET અને JEE જેવી રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષાઓમાં ધોરણ-12ની બોર્ડ પરીક્ષાના ગુણને 50 ટકા સુધી વેટેજ આપવાના પ્રસ્તાવ પર કેન્દ્ર સરકાર વિચારણા કરી રહી છે. હાઈ-પાવર કમિટીના અહેવાલ બાદ આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, NEET પેપર લીક સહિતની ઘટનાઓ બાદ પ્રવેશ પરીક્ષા પ્રણાલીને વધુ પારદર્શક અને સંતુલિત બનાવવા માટે વિવિધ વિકલ્પો પર ચર્ચા ચાલી રહી છે. તેમાં બોર્ડ પરીક્ષાના ગુણને મહત્વ આપવાનો પ્રસ્તાવ પણ સામેલ છે. જોકે, અંતિમ નિર્ણય પહેલાં વેટેજની ટકાવારીમાં ફેરફાર થવાની શક્યતા પણ નકારી શકાય નહીં.
જો આ પ્રસ્તાવ અમલમાં આવશે તો વિદ્યાર્થીઓની પસંદગી માત્ર એક જ પ્રવેશ પરીક્ષાના પરિણામ પર આધારિત નહીં રહે, પરંતુ બોર્ડ પરીક્ષાના પ્રદર્શનને પણ મહત્વ મળશે. પરિણામે વિદ્યાર્થીઓ પરનું પરીક્ષાનું દબાણ ઘટી શકે છે અને સમગ્ર મૂલ્યાંકન વધુ સંતુલિત બની શકે છે.
પ્રસ્તાવિત ફેરફારથી સંભવિત લાભ
- કોચિંગ સંસ્થાઓ પરની નિર્ભરતા ઘટશે.
- પ્રવેશ પરીક્ષાઓ અને શાળાના અભ્યાસક્રમ વચ્ચે વધુ સુમેળ સર્જાશે.
- ઉમેદવારોને એકથી વધુ વખત પરીક્ષા આપવાની તક મળવાથી માનસિક દબાણ ઓછું થશે.
બહુવિધ પ્રયાસની પણ વિચારણા
સમિતિ ઉમેદવારોને એકથી વધુ વખત પરીક્ષા આપવાની વ્યવસ્થા અંગે પણ વિચાર કરી રહી છે. જોકે, પરીક્ષા માટેની નિર્ધારિત લાયકાત અને પાત્રતાના માપદંડ યથાવત રહેશે.
ઉલ્લેખનીય છે કે શિક્ષણ મંત્રાલયે ગયા વર્ષે શિક્ષણ વ્યવસ્થામાં સુધારા, કોચિંગ પર વધતી નિર્ભરતા, ડમી સ્કૂલોની પ્રથા અને પ્રવેશ પરીક્ષાઓની પારદર્શિતાનો અભ્યાસ કરવા માટે નવ સભ્યોની ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી હતી. સમિતિના સૂચનોના આધારે આગામી સમયમાં પ્રવેશ પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ફેરફારો અમલમાં આવી શકે છે.










