અમદાવાદ: ગુજરાતમાં ચોમાસું જોર પકડી રહ્યું છે અને આગામી કેટલાક દિવસો સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ 9 જુલાઈ સુધી રાજ્યમાં વ્યાપક વરસાદની આગાહી સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓ માટે ભારેથી અત્યંત ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે.
હવામાન વિભાગના જિલ્લાવાર બુલેટિન મુજબ રાજકોટ જિલ્લામાં આજે છૂટાછવાયા વિસ્તારોમાં અતિ ભારેથી અત્યંત ભારે વરસાદ પડી શકે છે. જ્યારે આવતીકાલથી 9 જુલાઈ સુધી ગાજવીજ અને તેજ પવન સાથે અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં આજે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન પણ છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. ભાવનગર જિલ્લામાં પણ આવતીકાલે અત્યંત ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.
જામનગર, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં ગાજવીજ સાથે 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને 5 અને 6 જુલાઈ દરમિયાન વરસાદનું પ્રમાણ વધે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં સક્રિય હવામાન પ્રણાલીઓના પ્રભાવથી આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા યથાવત રહેશે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, નદી-નાળાઓમાં જળસ્તર વધવા અને વાહનવ્યવહાર પ્રભાવિત થવાની શક્યતા હોવાથી લોકોને સતર્ક રહેવા અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.
રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં 9 જુલાઈ સુધી હળવાથી લઈને અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના વચ્ચે ખેડૂતો, માછીમારો અને સામાન્ય નાગરિકોને જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.










