અમદાવાદ: જુનાગઢ અને ગીર સોમનાથમાં મેઘરાજાના ધમાકેદાર વરસાદ બાદ હવે દક્ષિણ ગુજરાતમાં વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નવસારી, ડાંગ, વલસાડ અને સુરત જિલ્લામાં સવારથી જ અતિ ભારે વરસાદ વરસતાં અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે, માર્ગો બંધ થઈ ગયા છે અને સામાન્ય જનજીવનને વ્યાપક અસર પહોંચી છે.
સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લાના ચીખલીમાં નોંધાયો, જ્યાં માત્ર બે કલાકમાં 8 ઇંચ અને સવારે છ કલાકમાં કુલ સાડા 8 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ડાંગના વઘઈમાં બે કલાકમાં 6 ઇંચ અને કુલ 10 ઇંચ વરસાદ નોંધાતા અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
વલસાડમાં બે કલાકમાં 6 ઇંચ અને કુલ સવા 7 ઇંચ, જ્યારે સુરતના અંબિકા વિસ્તારમાં બે કલાકમાં 5 ઇંચ અને કુલ 8 ઇંચ વરસાદ નોંધાયો હતો. નવસારીના વાંસદામાં છ કલાકમાં સવા 8 ઇંચ, જ્યારે તાપીના ડોલવણ અને નવસારીના ગણદેવીમાં 7-7 ઇંચ વરસાદ નોંધાયો હતો.
ભારે વરસાદને કારણે અનેક નદીઓ અને નાળાઓમાં જળસ્તર વધ્યું છે. રાજ્યમાં સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં 68 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. અનેક વિસ્તારોમાં લોકોનું સ્થળાંતર કરવું પડ્યું છે, જ્યારે સ્ટેટ હાઇવે સહિત 27 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અનેક શાળા-કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 જિલ્લાના 172 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. આ દરમિયાન જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં સૌથી વધુ 321 મીમી વરસાદ નોંધાયો હતો. ઉત્તર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું હોવા છતાં મહેસાણાના કડીમાં 9 ઇંચ વરસાદ વરસતાં શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
ભારતીય હવામાન વિભાગે 6 જુલાઈ સુધી સમગ્ર ગુજરાતમાં વ્યાપક વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી યથાવત રાખવામાં આવી છે. લોકોને નદી-નાળા, નીચાણવાળા વિસ્તારો અને જળભરાવવાળા માર્ગોથી દૂર રહેવા તેમજ સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
ચોમાસું હવે સમગ્ર રાજ્યમાં વધુ સક્રિય બનતાં વરસાદથી વંચિત વિસ્તારોમાં પણ મેઘમહેર શરૂ થઈ છે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો કુલ વરસાદ 8.46 ટકા નોંધાયો છે અને હવે માત્ર 17 તાલુકા એવા બાકી રહ્યા છે જ્યાં નોંધપાત્ર વરસાદ થયો નથી.










