મોતીહારી લઠ્ઠાકાંડ: ઝેરી દારૂ પીવાથી 4 ના મોત, 3 ની હાલત ગંભીર; મુખ્ય આરોપી નાગા રોયની ધરપકડ

બિહારના મોતીહારી જિલ્લામાં ઝેરી દારૂ પીવાના કારણે સર્જાયેલા લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 4 લોકોના કરૂણ મોત નીપજ્યા. જ્યારે અન્ય 3 લોકો ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટના રઘુનાથપુર પોલીસ સ્ટેશન વિસ્તારના બાલગંગા ગામમાં બની હતી. જ્યાં ગત બુધવારે રાત્રે આશરે 30 થી 40 લોકોએ સ્પિરિટ મિશ્રિત દારૂનું સેવન કર્યું હતું. દારૂ પીધા બાદ અનેક લોકોની તબિયત લથડી હતી. જેમાં પ્રમોદ યાદવ અને પરીક્ષણ માઝી નામના વ્યક્તિઓના મોતની પુષ્ટિ થઈ છે. ચોંકાવનારી વાત એ છે કે, સારવાર લઈ રહેલા લડ્ડુ સાહ અને લોહા સિંહ નામના બે વ્યક્તિઓએ પોતાની આંખની રોશની ગુમાવી દીધી છે.

આ ઘટના બાદ પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. મોતીહારીના પોલીસ અધિક્ષક (SP) સ્વર્ણ પ્રભાતે આ મામલે કડક કાર્યવાહી કરતા સદર SDPO ના નેતૃત્વમાં એક વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરી છે. ફરજમાં બેદરકારી દાખવવા બદલ તુરકૌલિયા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઉમાશંકર માઝીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અને સ્થાનિક ચોકીદાર ભરત રોયની ધરપકડ કરવામાં આવી છે.આ કેસના મુખ્ય આરોપી અને કથિત સાજિશકર્તા નાગા રોયને હાલ પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને તેની સઘન પૂછપરછ ચાલી રહી છે. મૃતકોના પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધીને દારૂના મુખ્ય સ્ત્રોત સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE