બનાસ સિવિલ હોસ્પિટલના તબીબોની કમાલ: 60 વર્ષીય મહિલાના ગળામાંથી 20 વર્ષ જૂની દોઢ કિલોની ગાંઠ દૂર કરી આપ્યું નવું જીવનદાન

બનાસકાંઠા જિલ્લાની બનાસ જનરલ સિવિલ હોસ્પિટલે ફરી એકવાર પોતાની ઉત્કૃષ્ટ તબીબી સેવાનો પરિચય આપ્યો છે.દાંતીવાડા તાલુકાના રતનપુર ગામના એક વૃદ્ધાના ગળાના ભાગે રહેલી 25 સેમી લાંબી અને અંદાજે દોઢ કિલો વજનની મહાકાય ગાંઠનું સફળ ઓપરેશન કરી તબીબોએ તેમને અસહ્ય પીડામાંથી મુક્તિ અપાવી છે.

20 વર્ષની પીડા અને લાખોનો ખર્ચ

રતનપુર ગામના 60 વર્ષીય કાંન્તાબેન છેલ્લા 20 વર્ષથી ગળામાં મોટી ગાંઠની સમસ્યાથી પીડાતા હતા. આ ગાંઠને કારણે તેમને શ્વાસ લેવામાં અને ખોરાક ગળવામાં ભારે તકલીફ પડતી હતી. પરિવારના જણાવ્યા મુજબ, અગાઉ અનેક ખાનગી હોસ્પિટલોમાં લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાં કોઈ જ નક્કર પરિણામ મળ્યું નહોતું, જેના કારણે પરિવાર નિરાશ થઈ ગયો હતો.

અકસ્માત અને કટોકટીની સ્થિતિ

ગત 17 માર્ચ 2026ના રોજ કાંન્તાબેન ઘરકામ કરી રહ્યા હતા ત્યારે અનાજનું વજનદાર કટ્ટુ તેમના માથા પર પડતા તેઓ નીચે પટકાયા હતા. આ ઘટનાના બીજા દિવસે ગળા, મોઢા અને છાતીના ભાગે ગંભીર સોજો આવી જતાં પરિવાર ભયભીત થઈ ગયો હતો.સ્થિતિ વધુ વણસતા તેમને તાત્કાલિક પાલનપુરની બનાસ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

તબીબોની જહેમત અને સફળ સર્જરી

સિવિલ સુપ્રિટેન્ડન્ટ ડૉ. સુનિલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ સર્જરી વિભાગના નિષ્ણાતોએ દર્દીની તપાસ કરી. સીટી સ્કેન અને એમઆરઆઈ રિપોર્ટમાં જાણવા મળ્યું કે, ગળામાં 25 સેમીની વિશાળ ગાંઠ છે. 10 દિવસ સુધી દવાઓ દ્વારા સોજો ઉતાર્યા બાદ જટિલ ઓપરેશનનો નિર્ણય લેવામાં આવ્યો.

  • તબીબી ટીમ: ડૉ. કલ્પેશભાઈ પટેલ, ડૉ. સાર્થક, ડૉ. રેખા, ડૉ. ઋષિ અને એનેસ્થેસિયા નિષ્ણાત ડૉ. દીપક મંગલ.

  • ઓપરેશનનો સમય: આશરે બે કલાકની ભારે જહેમત.

  • પરિણામ: દોઢ કિલો વજનની ગાંઠ સફળતાપૂર્વક દૂર કરવામાં આવી.

પરિવારમાં ખુશીની લહેર

સફળ ઓપરેશન બાદ કાંન્તાબેનને હવે શ્વાસ લેવામાં અને ખોરાક લેવામાં થતી તકલીફમાંથી કાયમી રાહત મળી છે. દર્દીના પુત્ર પારજીભાઈ ઠાકોરે સિવિલ હોસ્પિટલના તબીબો અને નર્સિંગ સ્ટાફનો હૃદયપૂર્વક આભાર માનતા જણાવ્યું કે, જે કામ લાખો રૂપિયા ખર્ચવા છતાં નહોતું થયું તે અહીંના તબીબોએ કરી બતાવ્યું છે.

Leave a Comment

READ MORE

READ MORE