મેયરના નિર્ણયથી સિટી ઈજનેર સહિત 7 પોસ્ટના ઈન્ટરવ્યૂ રદ, ભરતી પ્રક્રિયા પર ઉઠ્યા ગંભીર સવાલો
રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાની મહત્વની અને ‘મલાઈદાર’ ગણાતી 7 પોસ્ટની ભરતી પ્રક્રિયાને અચાનક બ્રેક લાગતા રાજકીય અને વહીવટી વર્તુળોમાં ચર્ચા જાગી છે. મેયર દ્વારા સિટી ઈજનેર સહિત કુલ 7 મહત્વની પોસ્ટ માટેના ઈન્ટરવ્યૂ રદ કરવાનો નિર્ણય લેવામાં આવતા ભરતી પ્રક્રિયાની પારદર્શિતા અને અત્યાર સુધી થયેલી પ્રક્રિયા સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે.
મહત્વનું એ છે કે ઈન્ટરવ્યૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પસંદગી તરફ ભરતી પ્રક્રિયા આગળ વધે તે પહેલાં જ તેને રદ કરવામાં આવી છે. જેના કારણે આ પોસ્ટ માટે દાવેદારી કરનારા ઉમેદવારોમાં પણ ભારે અસંતોષ જોવા મળી રહ્યો હોવાની ચર્ચા છે.
‘પાર્ટી ફંડ’ના દાવાઓથી રાજકીય ગરમાવો
સૂત્રોના દાવા મુજબ, આ ભરતીમાં કેટલીક મહત્વની પોસ્ટ મેળવવા માટે કેટલાક દાવેદારોએ અગાઉથી જ રાજકીય સ્તરે ‘પાર્ટી ફંડ’ના નામે નાણાકીય યોગદાન આપ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે. જોકે આ દાવાઓની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી.
જો આ દાવાઓમાં તથ્ય હોય તો સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે પોસ્ટ માટે નાણાકીય યોગદાન આપ્યાની ચર્ચા વચ્ચે ભરતી પ્રક્રિયા જ રદ થઈ જાય તો જવાબદારી કોની? અને આવા દાવેદારો દ્વારા કરવામાં આવેલા કથિત ખર્ચનું શું?
આ પરિસ્થિતિએ રાજકીય વર્તુળોમાં ‘સાપે છછુંદર ગળ્યા જેવી’ સ્થિતિ ઊભી કરી હોવાની ચર્ચા છે.
આખરે ભરતી રદ કરવાનો નિર્ણય કેમ?
મેયર દ્વારા 7 પોસ્ટના ઈન્ટરવ્યૂ રદ કરવાનો નિર્ણય કેમ લેવામાં આવ્યો? શું ભરતી પ્રક્રિયામાં કોઈ અનિયમિતતા ધ્યાન પર આવી હતી? શું પસંદગી પ્રક્રિયા અંગે કોઈ ફરિયાદ મળી હતી? કે પછી નવી રીતે ભરતી પ્રક્રિયા હાથ ધરવાની તૈયારી છે?
આ તમામ પ્રશ્નોના સ્પષ્ટ જવાબ મનપા તંત્ર અને સત્તાધીશો તરફથી મળવાના બાકી છે.
સિટી ઈજનેર સહિતની પોસ્ટ ‘મલાઈદાર’ કેમ ગણાય છે?
મનપાની કેટલીક ઉચ્ચ અને મહત્વની પોસ્ટો વહીવટી તેમજ વિકાસલક્ષી કામગીરી સાથે સીધી રીતે જોડાયેલી હોય છે. આવા હોદ્દા પર અધિકારીને મહત્વપૂર્ણ નિર્ણય પ્રક્રિયા, પ્રોજેક્ટો, વિકાસકામો અને ટેકનિકલ કામગીરીમાં ભૂમિકા ભજવવાની હોય છે. આ જ કારણસર આવી પોસ્ટો માટેની ભરતીને લઈને હંમેશા વિશેષ રસ જોવા મળે છે.
હવે ઈન્ટરવ્યૂ રદ થતાં આગામી ભરતી પ્રક્રિયા કેવી રીતે હાથ ધરાશે અને અગાઉની પ્રક્રિયામાં ભાગ લેનારા ઉમેદવારોને ફરી તક મળશે કે નહીં તે પણ મહત્વનો મુદ્દો બન્યો છે.
હાલમાં સૌથી મોટો સવાલ એ છે કે ભરતી પ્રક્રિયા માત્ર રદ કરવામાં આવી છે કે તેની પાછળ કોઈ મોટું રાજકીય-વહીવટી ગણિત પણ છે? આ સમગ્ર મામલે મનપા સત્તાધીશોનું સત્તાવાર સ્પષ્ટીકરણ સામે આવે તે બાદ જ ચિત્ર વધુ સ્પષ્ટ થશે.











