જામનગર: શહેરના રણજિત સાગર રોડ પર આવેલા વૃંદાવન પાર્ક-2માં કાલિદી સ્કૂલની બાજુની ગલીમાં જાહેર રસ્તા પર બંને બાજુ ગેટ લગાવી દેવામાં આવતા સ્થાનિક રહીશો, વાલીઓ અને વાહનચાલકો માટે અવરજવર મુશ્કેલ બની છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, ગલી જાહેર અવરજવર માટે ઉપયોગમાં લેવાતી હોવા છતાં બંને છેડે ગેટ મુકવામાં આવ્યા છે. પરિણામે રસ્તો જાણે બંધ થઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને ગલીની બાજુમાં આવેલી કાલિદી સ્કૂલને કારણે સવારે અને બપોરના સમયે વાલીઓ બાળકોને મૂકવા-લેવા માટે મોટી સંખ્યામાં અહીંથી પસાર થાય છે, ત્યારે ગેટના કારણે ટ્રાફિકની સમસ્યા વધુ ગંભીર બને છે.
રાહદારીઓ તેમજ વાહનચાલકોને સંકુચિત માર્ગમાંથી પસાર થવામાં મુશ્કેલી પડી રહી હોવાની ફરિયાદો ઉઠી છે. સ્કૂલના સમય દરમિયાન વાહનોની અવરજવર વધતી હોવાથી કોઈ અનિચ્છનીય સ્થિતિ સર્જાય તે પહેલાં તંત્ર દ્વારા સ્થળ તપાસ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે.
સ્થાનિક વાલીઓ અને રહીશોએ જાહેર રસ્તા પર મુકવામાં આવેલા બંને ગેટ તાત્કાલિક દૂર કરી રસ્તો સંપૂર્ણપણે ખુલ્લો કરાવવા માંગ કરી છે. હવે જોવાનું એ રહ્યું કે સંબંધિત તંત્ર આ મામલે ક્યારે કાર્યવાહી કરે છે.











