મોરબીમાં વરસાદી મહેરથી ડેમો છલકાયા: મચ્છુ-2 ઓવરફ્લો, મચ્છુ-3 અને ઘોડાધ્રોઈના દરવાજા પણ ખોલાયા

મચ્છુ-2માંથી 18,578 ક્યુસેક પાણી છોડાયું, મોરબી-માળિયાના અનેક ગામોને એલર્ટ

મોરબી: જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન થયેલા ભારે વરસાદ બાદ મોરબી અને માળિયાની જીવાદોરી ગણાતા જળાશયો છલકાઈ ઉઠ્યા છે. મચ્છુ-2 ડેમ શનિવારે સવારે તેની સંપૂર્ણ સપાટીએ પહોંચતા ઓવરફ્લો થયો હતો. ડેમના 4 દરવાજા 7 ફૂટ સુધી ખોલી 18,578 ક્યુસેક પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

સિંચાઈ વિભાગે પાણી છોડતા પહેલાં મોરબી શહેર ઉપરાંત મોરબી અને માળિયા તાલુકાના 29 ગામોને એલર્ટ જાહેર કર્યું છે. નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરાઈ છે તેમજ નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે.

માત્ર એક જ દિવસમાં ભારે વરસાદને કારણે મચ્છુ-2 ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થતાં ડેમ 100 ટકા ભરાઈ ગયો છે. સતત આવકને ધ્યાનમાં રાખીને પાણીનું નિયંત્રિત વિસર્જન કરવામાં આવી રહ્યું છે.

જિલ્લાનો મચ્છુ-3 ડેમ પણ સંપૂર્ણ ભરાઈ જતાં તેના 2 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે, જ્યારે જિકિયારી નજીક આવેલ ઘોડાધ્રોઈ ડેમના 2 દરવાજા 3 ફૂટ સુધી ખોલી 7,182 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. બંને ડેમમાંથી પાણી છોડતા પહેલાં અસરગ્રસ્ત ગામોને પૂર્વચેતવણી આપવામાં આવી છે.

સિંચાઈ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જળાશયોની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. નાગરિકોને નદી-નાળા, કોઝવે અને પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળવા તેમજ માત્ર તંત્રની સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE