જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી કામગીરીથી સ્થાનિકોમાં રાહત
ફતેપુરા: ચોમાસા દરમિયાન ફતેપુરાના કરોડિયા રોડ પર સર્જાતી પાણી ભરાવાની ગંભીર સમસ્યાનો અંત લાવવા જિલ્લા તંત્ર અને કરોડિયા ગ્રામ પંચાયતે સંયુક્ત રીતે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. કામગીરી પૂર્ણ થતાં સ્થાનિક રહેવાસીઓ, વિદ્યાર્થીઓ અને વાહનચાલકોને મોટી રાહત મળી છે.
ભારે વરસાદ દરમિયાન કરોડિયા રોડ પર પાણી ભરાઈ જતાં સ્કૂલે જતા વિદ્યાર્થીઓ, આસપાસના રહીશો તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. માર્ગ પરથી વાહનવ્યવહાર પણ પ્રભાવિત બનતા સ્થાનિકોમાં અસંતોષ જોવા મળ્યો હતો અને આ મુદ્દો મીડિયામાં પણ પ્રકાશિત થયો હતો.
સમસ્યાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ કરોડિયા ગામના સરપંચ હિતેશભાઈ કલાલ સ્થળ પર પહોંચ્યા હતા અને પાણીના નિકાલ માટે કાયમી કામગીરી શરૂ કરાવી હતી.
તંત્ર અને ગ્રામ પંચાયતની ઝડપી કામગીરીના પરિણામે રોડ પર પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ આવતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વિસ્તારના રહીશો અને વિદ્યાર્થીઓના વાલીઓએ પણ તંત્રના ઝડપી પ્રતિસાદ અને કામગીરીને આવકારી છે.
રિપોર્ટર: યાસીર ગુડાલા, ફતેપુરા











