ક્રાંતિવીર મંગલ પાંડેની 199મી જન્મજયંતિ નિમિત્તે રાજકોટમાં પુષ્પાંજલિ કાર્યક્રમ

રાજકોટ, તા. 20 જુલાઈ: ભારતીય સ્વતંત્રતા સંગ્રામના અગ્રણી ક્રાંતિવીર શ્રી મંગલ પાંડેની 199મી જન્મજયંતિ નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બ્રહ્મકુંજ સોસાયટી ગાર્ડનમાં આવેલી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મહાનગરપાલિકાના પદાધિકારીઓ, કોર્પોરેટરો અને હોદ્દેદારોએ મસ્તક નમાવી શ્રદ્ધાંજલિ અર્પી હતી.

મંગલ પાંડેને ભારતીય સ્વતંત્રતા સંગ્રામના પ્રથમ ક્રાંતિવીર તરીકે યાદ કરવામાં આવે છે. તેમના વિદ્રોહથી 1857ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામની શરૂઆત થઈ હતી, જેના કારણે બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના શાસનનો પાયો હચમચી ગયો હતો.

રાજકોટ મહાનગરપાલિકાએ જણાવ્યું હતું કે અંગ્રેજોના શાસન દરમિયાન ખેડૂતો પર ભારે કરબોજ હોવાથી અનેક યુવાનો રોજગારી માટે સેનામાં જોડાતા હતા. મંગલ પાંડે પણ 22 વર્ષની વયે બંગાળ નેટિવ ઈન્ફન્ટ્રીની 34મી બટાલિયનમાં જોડાયા હતા. બાદમાં તેમણે બેરકપુરમાં અંગ્રેજો સામે બળવો કરીને સ્વતંત્રતાની જ્યોત પ્રગટાવી હતી, જે સમગ્ર ઉત્તર ભારતમાં ફેલાઈ અને 1857ના સ્વતંત્રતા સંગ્રામનું કારણ બની.

મંગલ પાંડેના દેશપ્રેમ અને શૌર્યને સન્માન આપતા ભારત સરકારે વર્ષ 1984માં તેમના સ્મરણાર્થે ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી તેમજ તેમના જીવન પર આધારિત ફિલ્મો પણ નિર્માણ પામી છે.

આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશભાઈ પીપળીયા, શાસક પક્ષના નેતા ડૉ. હિરેનભાઈ ખીમાણિયા, શાસક પક્ષના દંડક સંજયસિંહ રાણા, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન મનીષભાઈ ભટ્ટ સહિત વિવિધ સમિતિઓના ચેરમેન, કોર્પોરેટરો, સંગઠનના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મંગલ પાંડેની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE