રાજકોટ રૂરલ એલસીબીનો મેગા દરોડો: શાપર-વેરાવળ હાઇવે પરથી રૂ.64.62 લાખનો મુદ્દામાલ જપ્ત

દોરાના બોક્સમાં સંતાડેલો રૂ.34 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો; દમણથી પોરબંદર જતો જથ્થો ઝડપાતા સપ્લાય ચેઇન સુધી તપાસ

રાજકોટ: રાજકોટ ગ્રામ્ય પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)એ દારૂના ગેરકાયદેસર વેપાર સામે વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. શાપર-વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર પિતૃકૃપા હોટલ નજીકથી વિદેશી દારૂનો જથ્થો ભરેલો ટ્રક ઝડપી પાડીને રૂ.64.62 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

જિલ્લા પોલીસવડા વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ દારૂ અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલી ઝુંબેશ દરમિયાન રૂરલ એલસીબીને ચોક્કસ બાતમી મળી હતી કે GJ-25-U-9934 નંબરનો ટ્રક દમણથી વિદેશી દારૂનો જથ્થો લઈને પસાર થવાનો છે. બાતમીના આધારે પોલીસે હાઇવે પર વોચ ગોઠવી ટ્રકને રોકીને તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન ટ્રકમાં રાખેલા દોરાના બોક્સની આડમાં સંતાડેલો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રકમાંથી વિવિધ બ્રાન્ડની 6,491 દારૂની બોટલો, 984 બિયર ટીન તેમજ દારૂ છુપાવવા માટે વપરાયેલા 259 ખાલી દોરાના બોક્સ કબજે કર્યા હતા.

કાર્યવાહી દરમિયાન ટ્રકના ચાલક ભરત હમીર મોરી (ઉ.વ.22), રહે. વાંસજાળીયા, જામજોધપુરની ધરપકડ કરવામાં આવી હતી. દારૂ-બિયરનો જથ્થો, ટ્રક અને અન્ય સામગ્રી મળી કુલ રૂ.64.62 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પૂછપરછ દરમિયાન આરોપીએ ખુલાસો કર્યો હતો કે આ જથ્થો ઉપલેટાના કરણ રબારીના કહેવાથી દમણમાંથી ભરાવવામાં આવ્યો હતો અને પોરબંદર પહોંચાડવાનો હતો. આ માહિતીના આધારે પોલીસે કરણ રબારી, દારૂ સપ્લાય કરનાર અજાણ્યા શખ્સો તેમજ ટ્રકના માલિકને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ શરૂ કરી છે.

આ સમગ્ર ઓપરેશન રૂરલ એલસીબીના પી.આઈ. જે.પી. રાવના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એચ.સી. ગોહિલ અને તેમની ટીમે સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. હવે પોલીસે સમગ્ર દારૂ સપ્લાય નેટવર્ક અને તેની પાછળ સંકળાયેલા અન્ય શખ્સો સુધી પહોંચવા તપાસનો વ્યાપ વધાર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE