જૈશ-એ-મહોમ્મદ કેસમાં ATSને મોટી રાહત: 8 આરોપીઓના વધુ 7 દિવસના રિમાન્ડ મંજૂર

કડી કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય; ટાઈમ બોમ્બ, જેહાદી સાહિત્ય અને આતંકી નેટવર્કની તપાસ વધુ ઊંડી બનશે

કડી: ગુજરાત ATS દ્વારા જૈશ-એ-મહોમ્મદ સાથે સંકળાયેલા હોવાના આરોપસર ઝડપાયેલા 8 શંકાસ્પદ આતંકીઓને કડીની અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. તપાસ અધૂરી હોવાનું જણાવી ATSએ વધુ 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખી કોર્ટે તમામ આરોપીઓના વધુ 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

ATSએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે આરોપીઓ પાસેથી મળેલા ડિજિટલ પુરાવા, ટાઈમ બોમ્બ બનાવવા સંબંધિત સામગ્રી, જૈશ-એ-મહોમ્મદનું ઉશ્કેરણીજનક સાહિત્ય તેમજ તેમના સંભવિત આતંકી નેટવર્ક અંગે હજુ સઘન તપાસ કરવાની જરૂર છે. આ તમામ મુદ્દાઓની તપાસ માટે વધુ સમય જરૂરી હોવાનું જણાવાયું હતું.

ઉલ્લેખનીય છે કે, આ જ કેસમાં કડી કોર્ટે અગાઉ તમામ 8 આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પ્રાથમિક પૂછપરછ દરમિયાન મળેલી મહત્વપૂર્ણ માહિતીના આધારે હવે તપાસનો વ્યાપ વધુ વિસ્તર્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ATS હવે આરોપીઓના સ્થાનિક અને આંતરરાજ્ય સંપર્કો, પાકિસ્તાન સ્થિત હેન્ડલર્સ સાથેના સંભવિત જોડાણ, આતંકી પ્રવૃત્તિઓ માટેની તૈયારીઓ તેમજ અન્ય શંકાસ્પદ વ્યક્તિઓની ભૂમિકાની પણ તપાસ કરી રહી છે. રિમાન્ડ દરમિયાન મળનારી માહિતીના આધારે આ કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE