મુંબઈમાં ચોમાસા બાદ રોગચાળાનો કહેર: તાવ-શરદીના કેસમાં ઉછાળો, લેપ્ટોસ્પાયરોસિસનો વધ્યો ખતરો

મુંબઈ: ચોમાસાની જોરદાર વરસાદી સિઝન વચ્ચે મુંબઈમાં મોસમી રોગચાળાએ માથું ઊંચક્યું છે. શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલો તેમજ ક્લિનિક્સમાં તાવ, શરદી, ખાંસી અને શ્વાસ સંબંધિત તકલીફ ધરાવતા દર્દીઓની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ ઇન્ફ્લુએન્ઝા-એ સહિતના શ્વાસજન્ય ચેપના કેસ ઝડપથી વધી રહ્યા છે.

ડોક્ટરોનું કહેવું છે કે ચોમાસામાં આવતો દરેક તાવ સામાન્ય વાયરલ ઇન્ફેક્શન હોય એવું માનવું યોગ્ય નથી. વરસાદી પાણી અને ગંદકીના કારણે ફેલાતી લેપ્ટોસ્પાયરોસિસ નામની બેક્ટેરિયલ બીમારી હાલ શહેરમાં સૌથી મોટો આરોગ્ય પડકાર બની રહી છે.

આ રોગ ઉંદર, કૂતરા અને અન્ય પ્રાણીઓના પેશાબથી દૂષિત થયેલા પાણી અથવા કાદવના સંપર્કમાં આવવાથી ફેલાય છે. વરસાદી પાણીમાં ખુલ્લા પગે અથવા સામાન્ય ચંપલ પહેરીને ચાલવાથી શરીર પરના નાના ઘા, ચીરા અથવા આંખ, નાક અને મોઢા મારફતે બેક્ટેરિયા શરીરમાં પ્રવેશી શકે છે. મુંબઈમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાવા અને ગંદકીના કારણે આ રોગનું જોખમ વધુ વધી રહ્યું છે.

લેપ્ટોસ્પાયરોસિસના પ્રારંભિક લક્ષણોમાં અચાનક તાવ, માથાનો દુખાવો, પિંડલીઓ અને કમરના ભાગમાં સ્નાયુઓમાં દુખાવો, ઉલટી તેમજ આંખો લાલ થવી જેવા લક્ષણોનો સમાવેશ થાય છે. સમયસર સારવાર ન મળે તો ચેપ લિવર, કિડની અને ફેફસાં સુધી પહોંચીને ગંભીર સ્થિતિ સર્જી શકે છે.

આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે સમયસર નિદાન અને યોગ્ય એન્ટિબાયોટિક સારવારથી આ રોગનો સફળતાપૂર્વક ઈલાજ થઈ શકે છે. તેથી વરસાદી પાણીના સંપર્ક બાદ તાવ કે અન્ય લક્ષણો જણાય તો સ્વઇલાજ કરવાને બદલે તરત જ ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

ડોક્ટરોએ લોકોને વરસાદી પાણીમાં જવાનું ટાળવા, જરૂરી હોય ત્યારે વોટરપ્રૂફ બૂટ પહેરવા, શરીર પરના ઘાને ઢાંકી રાખવા અને વ્યક્તિગત સ્વચ્છતા જાળવવાની ખાસ સલાહ આપી છે. આરોગ્ય વિભાગે પણ લોકોને સાવચેત રહેવા અને કોઈપણ લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર લેવા અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE