ચાંદીપુરા વાયરસ સામે આરોગ્ય તંત્ર એલર્ટ: આરોગ્ય મંત્રીની સમીક્ષા બેઠકમાં ફોગિંગ અને સર્વેલન્સ વધુ સઘન કરવાનો આદેશ

ગાંધીનગર: રાજ્યમાં ચાંદીપુરા વાયરસને લઈને સતર્કતા વધારવામાં આવી છે. વાયરસની સ્થિતિ અને નિયંત્રણની કામગીરીની સમીક્ષા કરવા માટે આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં આરોગ્ય વિભાગને દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવા, ફોગિંગ, સર્વેલન્સ અને ફિલ્ડ મોનિટરિંગની કામગીરી વધુ સઘન બનાવવા સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી.

આરોગ્ય વિભાગે તમામ જિલ્લાના ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટોને ગાંધીનગર સ્થિત મુખ્ય નિયંત્રણ કક્ષાની સાથે સતત સંકલનમાં રહેવા તેમજ દરેક શંકાસ્પદ કેસ પર તાત્કાલિક કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યા છે.

વિભાગના આંકડા મુજબ અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના કુલ 27 શંકાસ્પદ કેસો નોંધાયા છે. તેમાંથી 19 સેમ્પલના પરિણામો પ્રાપ્ત થયા છે, જેમાં 7 કેસ પોઝિટિવ અને 12 કેસ નેગેટિવ આવ્યા છે. જ્યારે બાકીના 8 સેમ્પલના રિપોર્ટ સોમવાર સાંજ સુધીમાં મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ ચાંદીપુરા વાયરસના કારણે ત્રણ બાળકોના મોત થયા હોવાનું નોંધાયું છે. જોકે, સંક્રમણને વધુ ફેલાતું અટકાવવા માટે રાજ્યભરમાં આરોગ્ય તંત્ર દ્વારા સતત દેખરેખ, સર્વેલન્સ અને નિવારક પગલાં લેવામાં આવી રહ્યા છે.

વિભાગે વધુમાં દાવો કર્યો છે કે વર્ષ 2024 દરમિયાન રાજ્યના 61 સ્થળોએ ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા હતા, જ્યારે આ વર્ષે અત્યાર સુધી એકપણ નવો કેસ નોંધાયો નથી. તેમ છતાં આરોગ્ય તંત્ર કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા સંપૂર્ણ સતર્ક હોવાનું બેઠકમાં જણાવાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE