સુરતમાં તાપી નદીનો પાળો તૂટતાં ખળભળાટ: મોટા વરાછામાં ત્રણ સ્થળે ધોવાણ, બહુમાળી ઇમારતો પર જોખમ

સુરત: ભારે વરસાદ બાદ સુરતના મોટા વરાછા વિસ્તારમાં તાપી નદીના કિનારે ગંભીર ધોવાણની ઘટના સામે આવી છે. નદીના પાળાના ત્રણ અલગ-અલગ સ્થળે મોટા ગાબડાં પડતાં સમગ્ર વિસ્તારમાં ચિંતા અને ભયનો માહોલ સર્જાયો છે. ધોવાણને કારણે જાહેર ફૂટપાથનો એક ભાગ પણ જમીનમાં ધસી જતાં નદીકાંઠાની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.

નદીના વધતા પ્રવાહ અને સતત ધસારાના કારણે કિનારાનો ભાગ નબળો પડ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જેના કારણે નદીકાંઠે રહેતા લોકો તેમજ આસપાસના વિસ્તારમાં રહેતા નાગરિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

ચિંતાજનક બાબત એ છે કે જ્યાં પાળામાં ધોવાણ થયું છે ત્યાંથી માત્ર 45થી 50 ફૂટના અંતરે બહુમાળી રહેણાંક ઇમારતોનું નિર્માણ ચાલી રહ્યું છે. જો આગામી દિવસોમાં વધુ વરસાદ અથવા નદીમાં પાણીનો પ્રવાહ વધશે તો આ ઇમારતોના પાયા પર અસર થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

ઘટનાની જાણ થતાં સ્થાનિક તંત્ર અને સંબંધિત વિભાગના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. ધોવાણ વધુ ન ફેલાય તે માટે તાત્કાલિક સુરક્ષાત્મક પગલાં લેવા તેમજ પાળાને મજબૂત બનાવવાની કામગીરી હાથ ધરવા અંગે વિચારણા કરવામાં આવી રહી છે.

સ્થાનિક રહીશો દ્વારા પણ તંત્ર સમક્ષ તાત્કાલિક કાયમી રક્ષણાત્મક કામગીરી કરવાની માંગ ઉઠી છે. વરસાદી સિઝન વચ્ચે સર્જાયેલી આ સ્થિતિને લઈને સમગ્ર વિસ્તાર હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE