અમદાવાદ: ભગવાન શ્રી જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા પૂર્વે અમદાવાદમાં સુરક્ષા અને વ્યવસ્થાની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. આ અનુસંધાને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જામાલપુર સ્થિત શ્રી જગન્નાથ મંદિરે પહોંચી પરંપરાગત ધ્વજ વિધિ, મહાઆરતી અને પૂજન-અર્ચનમાં ભાગ લઈને ભગવાન જગન્નાથના આશીર્વાદ મેળવ્યા હતા.
ધાર્મિક વિધિ પૂર્ણ થયા બાદ હર્ષ સંઘવીએ રથયાત્રાના સમગ્ર માર્ગનું પગપાળા નિરીક્ષણ કરીને સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ, ભીડ વ્યવસ્થાપન અને ઇમરજન્સી પ્રતિસાદ સહિતની તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરી હતી.
તેમણે પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓને રથયાત્રા દરમિયાન કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તેમજ લાખો શ્રદ્ધાળુઓને સુરક્ષિત અને સુવ્યવસ્થિત દર્શનનો લાભ મળે તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.
આ પ્રસંગે રાજ્યના પોલીસ મહાનિર્દેશક જી.એસ. મલિક, અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ સહિત પોલીસ, વહીવટી તંત્રના અધિકારીઓ અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
રથયાત્રાને શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સફળ બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર દ્વારા તમામ જરૂરી તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે.











