રાજકોટમાં ગેરકાયદે હથિયાર રેકેટનો પર્દાફાશ: 16 હથિયારો અને 30 કાર્ટિજ સાથે 5 આરોપીઓ ઝડપાયા

રાજકોટ: શહેર ક્રાઈમ બ્રાન્ચે ગેરકાયદે હથિયારોના મોટા રેકેટનો ભંડાફોડ કરતાં પાંચ આરોપીઓને ઝડપી પાડી હથિયાર સપ્લાયના આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી 16 દેશી બનાવટના હથિયારો, 30 જીવતા કાર્ટિજ સહિત મહત્વનો મુદ્દામાલ કબજે કર્યો છે.

ક્રાઈમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે મધ્યપ્રદેશના ધાર જિલ્લાના રહેવાસી શકીલ સાદિક મન્સૂરીને રાજકોટ નજીક વાંકાનેર ચોકડી વિસ્તારમાં ગેરકાયદે હથિયારોની ડિલિવરી આપવા આવતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો. તેની પૂછપરછના આધારે પોલીસે જયસુખ ઉર્ફે જસો વાઘેલા, ગાવસ્કર ઉર્ફે દર્શન રોજાસરા, અનિલ વીરા ખેતરીયા અને પ્રદીપ કનક કરપડાની પણ ધરપકડ કરી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ છેલ્લા એક મહિનામાં 16 હથિયારોની સપ્લાય કરી ચૂક્યા છે. દરેક હથિયાર રૂ. 10 હજારથી 15 હજારમાં વેચવામાં આવતું હોવાનું પણ પૂછપરછ દરમિયાન ખુલ્યું છે.

હાલ ક્રાઈમ બ્રાન્ચ આરોપીઓની સઘન પૂછપરછ કરી રહી છે. હથિયારો કોને પહોંચાડવામાં આવતા હતા, તેની પાછળ કોઈ મોટું ગુનાહિત નેટવર્ક કાર્યરત છે કે નહીં તેમજ અન્ય રાજ્યો સાથેના કનેક્શન અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, આ કેસમાં હજુ અનેક મહત્વના ખુલાસા થવાની શક્યતા છે. સમગ્ર હથિયાર સપ્લાય ચેઇનનો પર્દાફાશ કરવા માટે તપાસ વધુ વિસ્તૃત કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE