સુરત: સુરત એરપોર્ટ પર વિમાન સુરક્ષા સાથે ચેડાંની વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. શહેરના કતારગામ વિસ્તારમાંથી અજાણ્યા શખ્સ દ્વારા લેન્ડિંગ કરી રહેલા વિમાન પર ગ્રીન લેઝર લાઈટ ફેંકવામાં આવી હતી. છેલ્લા માત્ર 15 દિવસમાં આ પ્રકારની બીજી ઘટના બનતાં એરપોર્ટ સુરક્ષા એજન્સીઓ અને પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું છે.
મળતી માહિતી મુજબ, વિમાન લેન્ડિંગ માટે આગળ વધી રહ્યું હતું ત્યારે કોકપિટ તરફ ગ્રીન લેઝર લાઈટ મારવામાં આવી હતી. પાયલટની સતર્કતા અને કુશળતાના કારણે વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ શક્ય બન્યું હતું. જો કે, આવી ઘટના ઉડ્ડયન સુરક્ષાની દૃષ્ટિએ અત્યંત ગંભીર માનવામાં આવે છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, લેન્ડિંગ અથવા ટેક-ઓફ દરમિયાન પાયલટની આંખો પર લેઝર લાઈટ પડવાથી થોડા સમય માટે દૃષ્ટિ પ્રભાવિત થઈ શકે છે, જેના કારણે વિમાનના સંચાલનમાં ગંભીર જોખમ ઊભું થઈ શકે છે. આ કારણસર વિશ્વભરમાં આવી હરકતોને ગંભીર ગુના તરીકે જોવામાં આવે છે.
ઘટના બાદ એરપોર્ટ ઓથોરિટી અને સુરત પોલીસે સંયુક્ત તપાસ શરૂ કરી છે. કતારગામ વિસ્તારના CCTV ફૂટેજ, ટેક્નિકલ માહિતી અને અન્ય પુરાવાના આધારે લેઝર લાઈટ ફેંકનાર વ્યક્તિની ઓળખ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
સુરત એરપોર્ટ પર ટૂંકા ગાળામાં બીજી વખત આવી ઘટના બનતાં ઉડ્ડયન સુરક્ષાને લઈને ફરી ચિંતા વ્યક્ત થઈ રહી છે. જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, તેમ તપાસ એજન્સીઓએ જણાવ્યું છે.











