ગાંધીનગર: રાજ્યમાં ચોમાસું આગળ વધી રહ્યું છે ત્યારે અત્યાર સુધી ગુજરાતમાં સરેરાશ 24.64 ટકા વરસાદ નોંધાયો છે. ઝોનવાર આંકડા મુજબ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 34.70 ટકા વરસાદ નોંધાયો છે, જ્યારે કચ્છમાં હજુ પણ વરસાદની ભારે ખાધ જોવા મળી રહી છે અને ત્યાં માત્ર 1.92 ટકા વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગના આંકડા મુજબ સૌરાષ્ટ્રમાં 27.61 ટકા, મધ્ય-પૂર્વ ગુજરાતમાં 17.31 ટકા અને ઉત્તર ગુજરાતમાં 14.09 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ ચાલુ રહેતા વહીવટી તંત્ર દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
વરસાદના કારણે રાજ્યના જળાશયોમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ 65.32 ટકા જળસંગ્રહ નોંધાયો છે. રાજ્યના કુલ 206 જળાશયોમાં સરેરાશ 41.41 ટકા પાણીનો સંગ્રહ થયો છે.
હાલમાં 5 જળાશયો સંપૂર્ણ ભરાઈ ચૂક્યા છે, જ્યારે 20 જળાશયોમાં 70થી 100 ટકા, 24 જળાશયોમાં 50થી 70 ટકા, 51 જળાશયોમાં 25થી 50 ટકા અને 16 જળાશયોમાં 25 ટકા સુધી જળસંગ્રહ નોંધાયો છે. સુરક્ષાના ભાગરૂપે 9 જળાશયો હાઈ એલર્ટ, 6 એલર્ટ અને 10 જળાશયો વોર્નિંગ લેવલ પર રાખવામાં આવ્યા છે.
ભારે વરસાદની અસરગ્રસ્ત વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં 8,324 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. NDRFની 11 અને SDRFની 24 ટીમો દ્વારા સતત બચાવ કામગીરી હાથ ધરી 3,711 લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.
વરસાદના કારણે વીજ પુરવઠાને પણ અસર પહોંચી છે. રાજ્યમાં 14 વીજ ફીડર, 299 વીજ પોલ અને 48 વીજ ટ્રાન્સફોર્મરને નુકસાન થયું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજ પુરવઠો ઝડપથી પુનઃસ્થાપિત કરવા માટે સંબંધિત વિભાગો દ્વારા કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે.
રાજ્ય સરકાર, જિલ્લા વહીવટીતંત્ર અને બચાવ એજન્સીઓ સતત સ્થિતિ પર નજર રાખી રહી છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી તમામ રાહત અને પુનઃસ્થાપન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.











