મુંબઈ: પશ્ચિમ એશિયામાં વધતા ભૌગોલિક તણાવની અસર વૈશ્વિક નાણાકીય બજારો પર સ્પષ્ટ જોવા મળી રહી છે. ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી સાથે બ્રેન્ટ ક્રૂડ 80 ડોલર પ્રતિ બેરલની નજીક પહોંચ્યું છે, જ્યારે ભારતીય શેરબજાર, સોના-ચાંદી અને રૂપિયામાં ભારે દબાણ જોવા મળ્યું છે.
વૈશ્વિક સ્તરે ઊર્જા પુરવઠાને લઈને વધતી ચિંતાના કારણે રોકાણકારોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. તેની સીધી અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી હતી. બજારની શરૂઆત જ નબળાઈ સાથે થઈ હતી અને દિવસભર મોટાભાગના સેક્ટરમાં વેચવાલીનું દબાણ રહ્યું હતું. જોકે અંતિમ સત્રમાં નીચા ભાવેથી લેવાલી થતાં બજારમાં આંશિક સુધારો નોંધાયો હતો.
ટ્રેડિંગ દરમિયાન કલ્યાણ જ્વેલર્સ, ભેલ, યુનિયન બેંક, વોલ્ટાસ અને શ્યામ મેટાલિક્સ જેવા કેટલાક શેરોમાં તેજી જોવા મળી હતી. જ્યારે આઈસીઆઈસીઆઈ બેંક, ભારતી એરટેલ, એચડીએફસી બેંક, યસ બેંક, સુઝલોન, વેદાંતા, ટાટા કેપિટલ અને વારી એનર્જીઝ સહિતના અનેક શેરોમાં ઘટાડો નોંધાયો હતો.
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ દિવસ દરમિયાન અંદાજે 77,293ની સપાટીએ ટ્રેડ થયો હતો, જ્યારે નિફ્ટી લગભગ 80 પોઈન્ટ ઘટીને 24,126ની આસપાસ બંધ રહ્યો હતો.
કોમોડિટી બજારમાં પણ ભારે નરમાઈ જોવા મળી હતી. સ્થાનિક વાયદા બજારમાં સોનાના ભાવમાં અંદાજે રૂ.1,350નો ઘટાડો નોંધાયો હતો, જ્યારે ચાંદીમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. ડોલર સામે રૂપિયો પણ નબળો પડતાં કરન્સી માર્કેટમાં દબાણ જોવા મળ્યું હતું.
આંતરરાષ્ટ્રીય બજારમાં WTI ક્રૂડનો ભાવ અંદાજે 74.50 ડોલર પ્રતિ બેરલ, જ્યારે બ્રેન્ટ ક્રૂડનો ભાવ 79.28 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયો હતો. ઊર્જા બજારમાં વધતી અનિશ્ચિતતા અને વૈશ્વિક તણાવના કારણે આગામી દિવસોમાં પણ બજારોમાં વધઘટ યથાવત રહેવાની શક્યતા નિષ્ણાતોએ વ્યક્ત કરી છે.











