સુરત: શિક્ષણ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકો અને આચાર્યોના સન્માન માટે સુરતમાં “શિક્ષા કે શિલ્પકાર” સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શિક્ષણની ગુણવત્તા વધારવામાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર શિક્ષકો અને શાળાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
સમારોહ દરમિયાન બોર્ડ પરીક્ષામાં 100 ટકા પરિણામ નોંધાવનાર 365 શાળાઓના આચાર્યોને વિશેષ સન્માન અર્પણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને ઉત્તમ શૈક્ષણિક પરિણામ માટે તેમની કામગીરીને બિરદાવી પ્રશસ્તિપત્રો અને સન્માનચિહ્નો એનાયત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત શિક્ષણ વિભાગમાં પાંચ વર્ષની સફળ સેવા પૂર્ણ કરનાર 163 શિક્ષકોને પૂર્ણ પગારના આદેશપત્રો પણ વિતરણ કરવામાં આવ્યા હતા. આ નિર્ણયને શિક્ષકો માટે મહત્વપૂર્ણ સન્માન અને પ્રોત્સાહન તરીકે જોવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં કેન્દ્રીય શિક્ષણ રાજ્યમંત્રી જયંત ચૌધરી અને સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે શિક્ષકોને રાષ્ટ્રના સાચા ઘડવૈયા ગણાવી કહ્યું હતું કે ગુણવત્તાયુક્ત શિક્ષણ જ વિકસિત ભારતના નિર્માણનો મજબૂત આધાર છે. શિક્ષકોના સમર્પણ અને સેવાભાવના કારણે જ સમાજ અને દેશનું ઉજ્જવળ ભવિષ્ય ઘડાય છે.
સમારોહમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ, શાળા સંચાલકો, આચાર્યો, શિક્ષકો અને મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકો અને આચાર્યોના સન્માનથી ગૌરવ અને પ્રેરણાનો માહોલ જોવા મળ્યો હતો.











