અમદાવાદમાં DPS સ્કૂલ બસ સાથે ગમખ્વાર અકસ્માત: મોપેડ ચાલકનું કરૂણ મોત, ડ્રાઇવર-કંડક્ટર બસ છોડીને ફરાર

અમદાવાદ: શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં DPS સ્કૂલ બસ સાથે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં મોપેડ ચાલકનું કરૂણ મોત થતાં વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. અકસ્માત બાદ બસનો ડ્રાઇવર અને કંડક્ટર બાળકોને બસમાં જ મૂકીને સ્થળ પરથી ફરાર થઈ જતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

પ્રાથમિક માહિતી મુજબ, શાસ્ત્રીનગર પાસે પસાર થઈ રહેલી DPS સ્કૂલ બસની પાછળ મોપેડ ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે મોપેડ ચાલકને જીવલેણ ઈજાઓ પહોંચતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. ઘટનાને પગલે થોડા સમય માટે ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો અને સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર અકસ્માત બાદ બસનો ડ્રાઇવર અને કંડક્ટર જવાબદારી છોડીને ફરાર થઈ ગયા હતા, જ્યારે બસમાં બેઠેલા વિદ્યાર્થીઓને સ્થળ પર જ છોડી દીધા હતા. બાદમાં પોલીસ અને સ્થાનિક લોકોએ બાળકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવાની કામગીરી હાથ ધરી હતી.

ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. ફરાર ડ્રાઇવર અને કંડક્ટરની શોધખોળ સાથે અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ માટે CCTV ફૂટેજ અને અન્ય પુરાવાઓ એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE