તાલુકામાં 71 મીમી (2.8 ઇંચ) વરસાદ નોંધાયો, માત્ર બે કલાકમાં જ 2.5 ઇંચ ખાબકતાં જનજીવન પ્રભાવિત
જેતપુર: રાજકોટ જિલ્લાના જેતપુર શહેર અને ગ્રામ્ય પંથકમાં સતત ત્રીજા દિવસે પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ ચાલુ રાખતાં સમગ્ર વિસ્તાર જળબંબોળ બની ગયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર આંકડા મુજબ, આજે સાંજે 6 વાગ્યા સુધીમાં જેતપુર તાલુકામાં કુલ 71 મીમી (2.8 ઇંચ) વરસાદ નોંધાયો છે. ખાસ કરીને બપોરે 2થી 4 વાગ્યા દરમિયાન માત્ર બે કલાકમાં જ 65 મીમી (2.5 ઇંચ) વરસાદ ખાબકતાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં હતાં.
ધોધમાર વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગો નદીમાં ફેરવાઈ ગયા હતા, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાઈ જતાં જનજીવનને ભારે અસર પહોંચી હતી. લાંબા સમયથી અનુભવાતી અસહ્ય ગરમી અને બફારામાંથી લોકોને રાહત મળી છે, જ્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
મામલતદાર કચેરીની દીવાલ ધરાશાયી
સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે જેતપુર મામલતદાર કચેરીના કમ્પાઉન્ડની સુરક્ષા દીવાલનો એક મોટો ભાગ અચાનક ધરાશાયી થઈ ગયો હતો. ઘટનાના પગલે કચેરી પરિસરમાં થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી. જોકે, સદનસીબે ઘટના સમયે ત્યાં કોઈ વ્યક્તિ કે વાહન હાજર ન હોવાથી જાનહાનિ ટળી હતી.
ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્ર અને સ્ટાફ સ્થળ પર દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ બિસ્માર હાલતમાં રહેલી બાકીની દીવાલનું પણ તાત્કાલિક સમારકામ કરવાની માંગ કરી છે.
ટાકુડી પરા સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ
શહેરના સરદાર ચોક, ટાકુડી પરા, ફૂલવાડી, બસ સ્ટેન્ડ રોડ સહિતના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. ટાકુડી પરાના મુખ્ય માર્ગ પર નદી જેવા દૃશ્યો સર્જાતા અનેક વાહનો રસ્તા વચ્ચે બંધ પડી ગયા હતા, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
આ સ્થિતિને પગલે સ્થાનિકોએ જેતપુર-નવાગઢ નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાના આક્ષેપો સાથે લોકોમાં તંત્ર પ્રત્યે રોષ જોવા મળ્યો હતો.
ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ
જેતપુર તાલુકાના ખીરસરા, સ્ટેશન વાવડી, વાડસડા અને ખજૂરી ગુંદાળા સહિતના ગામોમાં પણ ભારે વરસાદ નોંધાયો હતો. ખીરસરા ગામ અને તેના ઉપરવાસમાં વરસેલા વરસાદના કારણે સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. નદીમાં નવા નીરની આવક જોવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા.
સતત ત્રીજા દિવસે વરસેલા આ વરસાદથી ડેમો અને જળાશયોમાં પાણીની આવક વધી છે, જેના કારણે ખરીફ પાક માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.











