ધોરાજી પંથકમાં મેઘતાંડવ: સાડા પાંચ ઇંચ વરસાદથી જળબંબોળ, સફૂરા નદીમાં ઘોડાપૂર

ધોરાજી: રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં સતત ત્રીજા દિવસે પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ ચાલુ રાખતાં સમગ્ર વિસ્તાર જળબંબોળ બની ગયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર આંકડા મુજબ, આજે સાંજે 6 વાગ્યા સુધીમાં ધોરાજી તાલુકામાં 141 મીમી (5.55 ઇંચ) વરસાદ નોંધાયો છે. માત્ર બપોરે 2 થી સાંજે 6 વાગ્યા દરમિયાન જ લગભગ 5 ઇંચ વરસાદ વરસતાં જનજીવન પર વ્યાપક અસર પડી છે. ભારે વરસાદના કારણે સફૂરા નદીમાં ઘોડાપૂર આવ્યું છે.

ભારે વરસાદને પગલે ઝાંઝમેર ગામ નજીક સાવેલી નદી પર બનાવવામાં આવેલ કામચલાઉ ડાયવર્ઝન પુલ ધોવાઈ ગયો છે. નવા પુલનું કામ ચાલુ હોવાથી આ ડાયવર્ઝન માર્ગ પરથી વાહનવ્યવહાર ચાલતો હતો. પુલ ધોવાઈ જતાં ઝાંઝમેર, સોડવદર, ખજૂરાડા, ટીમડી, જામકંડોરણા સહિતના ગામોનો મુખ્ય માર્ગ બંધ થઈ ગયો છે અને અનેક ગામોનો સંપર્ક ખોરવાયો છે.

ઝાંઝમેર ગામના સરપંચ કિરણ બગડાએ જણાવ્યું કે, ડાયવર્ઝન તૂટી જતાં ખેડૂતો, વિદ્યાર્થીઓ અને રોજિંદા અવરજવર કરતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક રસ્તો શરૂ કરવા વહીવટી તંત્રને રજૂઆત કરવામાં આવી છે.

સ્થાનિક ખેડૂત મગનભાઈ અજુડિયાએ જણાવ્યું કે, હાલ ખેતીની વાવણીનો સમય હોવાથી ખેડૂતો માટે આ માર્ગ અત્યંત મહત્વનો છે. રસ્તો બંધ થતાં ખેતરો સુધી પહોંચવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. તેમણે તાત્કાલિક સમારકામ કરીને માર્ગ શરૂ કરવાની માંગ કરી છે.

બીજી તરફ ધોરાજી શહેરના નદી બજાર અને શાક માર્કેટ વિસ્તારમાં ગોઠણસમા પાણી ભરાઈ જતાં વેપાર-ધંધા અને વાહનવ્યવહારને ભારે અસર પહોંચી છે. અનેક વાહનો પાણીમાં બંધ પડી ગયા હતા, જ્યારે વેપારીઓ અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ચોમાસાના પ્રથમ ભારે વરસાદમાં જ શહેરના મુખ્ય બજારો પાણીમાં ગરકાવ થતાં સ્થાનિકોએ નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. લાખો રૂપિયાના ખર્ચ છતાં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના આક્ષેપ સાથે વેપારીઓએ તાત્કાલિક કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે.

એક તરફ સતત વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, તો બીજી તરફ ભારે વરસાદને કારણે રસ્તાઓ, બજારો અને ગ્રામ્ય વિસ્તારોમાં સર્જાયેલી પરિસ્થિતિએ સામાન્ય જનજીવનને અસ્તવ્યસ્ત બનાવી દીધું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE