હાલ સમગ્ર રાજ્ય સહિત માણાવદર પંથકમાં પણ ઉનાળાની કાળજાળ ગરમી પડી રહી છે. આ આકરા ઉનાળામાં સામાન્ય જનતા અને વટેમાર્ગુઓને ગરમીથી રાહત આપવા માટે માણાવદરની સેવાભાવી સંસ્થાઓ આગળ આવી છે. માણાવદર અનસુયા ગૌધામ અને લાયન્સ ક્લબના સંયુક્ત ઉપક્રમે છેલ્લા ચાર દિવસથી શહેરમાં વિનામૂલ્યે શુદ્ધ અને ઠંડી છાશનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે, જે સ્થાનિક લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે.
આ સેવા કાર્યને પ્રચંડ જનપ્રતિસાદ મળી રહ્યો છે. માત્ર ચાર દિવસના ટૂંકા ગાળામાં જ સંસ્થાઓ દ્વારા અંદાજે 1,000 લીટર જેટલી ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું છે. ગરમીમાં શેકાતા અંદાજે 3,500 જેટલા નાગરિકો અને રાહદારીઓએ આ અમૃતતુલ્ય છાશનો લાભ લઈ પોતાની તરસ છિપાવી છે અને ગરમીથી આંશિક રાહત મેળવી છે.
આ વિતરણની સૌથી મોટી ખાસિયત એ છે કે, લોકોને પીવડાવવામાં આવતી છાશ પવિત્ર ગીર ગાયના દૂધમાંથી જ બનાવવામાં આવે છે. વર્તમાન સમયમાં બજારમાં ગમે તેટલા રૂપિયા ખર્ચવા છતાં પણ ગીર ગાયના દૂધની શુદ્ધ છાશ મળવી મુશ્કેલ છે, ત્યારે આ કપરા ઉનાળામાં સંસ્થાઓ દ્વારા આવી ગુણવત્તાયુક્ત અને પૌષ્ટિક છાશ તદ્દન મફત આપવામાં આવી રહી છે. આ ઉમદા કાર્ય બદલ છાશ પીનારા લોકો બંને સંસ્થાઓનો અંતઃકરણપૂર્વક આભાર માની રહ્યા છે અને આશીર્વાદ આપી રહ્યા છે.
આ પુણ્યના કાર્યને સફળ બનાવવા માટે બંને સંસ્થાના હોદ્દેદારો અને કાર્યકરો ખડેપગે સેવા આપી રહ્યા છે. જેમાં અનસુયા ગૌધામના હરેશભાઈ શેઠ, નરેન્દ્રકુમાર સવસાણી, ડો. પંકજભાઈ જોશી, કમલેશભાઈ લોડાયા, ચિરાગભાઈ ભૂત, ઉમેદસિંહ ચુડાસમા તેમજ અજીતસિંહ ચાવડા સહિત અનસુયા ગૌધામનો સમગ્ર સ્ટાફ કોઈપણ સ્વાર્થ વગર અવિરતપણે પોતાની સેવાઓ આપીને માનવતા મહેકાવી રહ્યો છે.
તસવીર અહેવાલ : જીજ્ઞેશ પટેલ, માણાવદર
Post Views: 36











