સંજેલી તાલુકા પંચાયતના પ્રમુખ પદે ભાજપના યુવા નેતા મહેદીપભાઈ પલાસ અને ઉપપ્રમુખ પદે અનુભવી આગેવાન રામસિંગભાઈ ભાભોર બિનહરીફ ચૂંટાતા પંથકમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો યથાવત રહ્યો છે. તાલુકા પંચાયત કચેરી ખાતે યોજાયેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં આ વરણી પ્રક્રિયા પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. ભાજપના નેતૃત્વ હેઠળ નવા હોદ્દેદારોના નામોની જાહેરાત થતાં જ પક્ષના કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ અને આનંદનું મોજું ફરી વળ્યું હતું.
નવનિયુક્ત હોદ્દેદારોની પ્રોફાઈલ
-
પ્રમુખ: જુસ્સા બેઠક પરથી ૯૫૬ મતોની જંગી સરસાઈથી વિજયી બનેલા ભાજપના યુવા અને સક્રિય નેતા મહેદીપભાઈ મહેન્દ્રભાઈ પલાસ.
-
ઉપપ્રમુખ: અણીકા બેઠક પરથી સતત જીત મેળવતા પક્ષના વરિષ્ઠ અને અનુભવી આગેવાન રામસિંગભાઈ કડકિયાભાઈ ભાભોર.
વિકાસને મળશે નવી ગતિ: સંજેલી તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે એક યુવા ચહેરો અને ઉપપ્રમુખ તરીકે અનુભવી નેતાની જોડી મળતા સ્થાનિક રહીશોમાં ખુશીનો માહોલ છે. આગામી સમયમાં તાલુકાના વિકાસ કાર્યોને વધુ વેગ મળશે તેવી આશા લોકો વ્યક્ત કરી રહ્યા છે.
કાર્યકરો દ્વારા ભવ્ય વિજયોત્સવ
વરણીની સત્તાવાર જાહેરાત થતાં જ તાલુકા પંચાયત કચેરી બહાર એકત્રિત થયેલા સમર્થકોએ ફટાકડા ફોડી, આતિશબાજી કરીને અને એકબીજાને મીઠાઈ ખવડાવીને જીતની ભવ્ય ઉજવણી કરી હતી. આ તકે નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે પક્ષના મોવડી મંડળનો આભાર માન્યો હતો અને સંજેલી તાલુકાના સર્વાંગી વિકાસ માટે હંમેશા કટિબદ્ધ રહેવાની ખાતરી આપી હતી.
Post Views: 27










